આજે NH-48 પર જવાની મિસ્ટેક નહીં કરતા

20 January, 2026 11:11 AM IST  |  Mumbai | Shirish Vaktania

આ હાઇવે પર ભારે વાહનોને પ્રવેશબંધી, ડાઇવર્ઝન આપવામાં આવ્યાં

પાલઘર જિલ્લામાં મેગા પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહેલા કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ગઈ કાલના વિરોધ-પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. એમાં મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર હતી. તસવીર : શિરીષ વક્તાણિયા

વાઢવણ પોર્ટ અને પાલઘર જિલ્લામાં આવનારા અન્ય મેગા પ્રોજેક્ટ્સ સામેના અભૂતપૂર્વ વિરોધે મુંબઈ-અમદાવાદ હાઇવેનો ટ્રાફિક ગઈ કાલે જામ કર્યો અને આજે પણ કરશે : આ હાઇવે પર ભારે વાહનોને પ્રવેશબંધી, ડાઇવર્ઝન આપવામાં આવ્યાં

વાઢવણ બંદર તથા પાલઘર આદિવાસી જિલ્લો હોવા છતાં ત્યા ચોથું મુંબઈ બનાવવાના પ્રોજેક્ટમાં  જંગલ અને પર્યાવરણને નુકસાન થશે અને સ્થાનિકોનો રોજગાર છીનવાઈ જશે એવા ડરને લીધે  જિલ્લામાં લાદવામાં આવી રહેલા અન્ય વિનાશક મેગા પ્રોજેક્ટ્સ સામે માછીમારો અને સામ્યવાદી પક્ષ દ્વારા ગઈ કાલે જોરદાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એને કારણે મુંબઈ-અમદાવાદને જોડતા NH-48 પર મોટો ટ્રાફિક જામ થયો હતો. સોમવારે તારાપુરથી પાલઘર સુધીના NH-48 પર મોટી સંખ્યામાં ટોળાએ પ્રોટેસ્ટ-માર્ચ શરૂ કરી હતી અને પાલઘરમાં માછીમારો, આદિવાસી સમુદાય અને મજૂરોએ પણ પાલઘર ખાતે કલેક્ટર કચેરીની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

પાલઘરમાં ગઈ કાલે પાલઘર જિલ્લા કલેક્ટર કચેરીની બહાર એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનઆંદોલન જોવા મળ્યું હતું, કારણ કે હજારો નાગરિકો પ્રસ્તાવિત વાઢવણ બંદર અને જિલ્લા પર લાદવામાં આવી રહેલા અન્ય ઘણા મેગા પ્રોજેક્ટ્સનો વિરોધ કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ કાળાં કપડાં અને કાળી ટોપી પહેર્યાં હતાં. વિરોધીઓએ વાઢવણ બંદર, પ્રસ્તાવિત ઍરપોર્ટ, મુર્બે બંદર, કેલવે ટેક્સટાઇલ પાર્ક અને કહેવાતા ચોથા મુંબઈ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાડ્યો હતો કે આ પ્રોજેક્ટ્સ પર્યાવરણીય રીતે વિનાશક, સામાજિક રીતે અન્યાયી છે અને સ્થાનિક વસ્તીના અસ્તિત્વ માટે સીધો ખતરો છે.

નૅશનલ ફિશવર્કર્સ ફોરમ (NFF)ના પ્રમુખ રામકૃષ્ણ તાંડેલે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘આ બધા પ્રોજેક્ટ્સ પરંપરાગત માછીમારી આજીવિકા અને દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ કરે છે. આદિવાસી અને ખેડૂત સમુદાય મોટા પાયે વિસ્થાપિત થાય છે. આ પ્રોજેક્ટ્સ સાથે ખેતીલાયક જમીન, મીઠાના અગર, મૅન્ગ્રૉવ્ઝ અને દરિયાકાંઠાનાં સંસાધનોનું નુકસાન થશે. આ પ્રોજેક્ટ્સ પાલઘરથી દહાણુ સુધીનાં લગભગ ૧૦૭ ગામોનો નાશ કરશે. પાલઘરની જમીન, સમુદ્ર, આજીવિકા અને ભવિષ્યનો નાશ કરનાર વિકાસ પાલઘરના લોકો સ્વીકારશે નહીં. અમારી માગ આ પ્રોજેક્ટ્સ વિરુદ્ધ છે, કારણ કે જો આ બંદર બનાવવામાં આવશે તો બધા માછીમારો માછીમારી કરી શકશે નહીં. આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ નથી. એનાથી સમુદ્ર, જંગલ અને જમીનને નુકસાન થશે.’

કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રોટેસ્ટ-માર્ચ આજે પણ પાલઘરની કલેક્ટર-ઑફિસ પહોંચશે અને એ મુજબ વિરોધ કરશે. NH-48 પર મોટો ટ્રાફિક રહેશે જેને કારણે મુંબઈથી ગુજરાત જતા, ગુજરાતથી મુંબઈ આવતા લોકો, મોટરિસ્ટો કલાકો સુધી અટવાઈ જવાની શક્યતા છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પાલઘરસ્થિત હુતાત્મા ચોક, પાલઘરથી દહાણુ સુધીનાં રેલવે-સ્ટેશનો, ઓલ્ડ પાલઘર, છત્રપતિ શિવાજી ચોક, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક અને NH-48 પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. પ્રોટેસ્ટ-માર્ચના રૂટ પરથી બધી શાળાઓને ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે છોડી દેવામાં આવી હતી, જ્યારે આજે રજા આપવામાં આવી છે. 

NH-48 માટેની ટ્રાફિક-સલાહ
પાલઘર ટ્રાફિક પોલીસે આજે સવારે ૬થી બપોરે બે વાગ્યા સુધી ભારે ટ્રાફિક વિશે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી હતી. ભારે વાહનોને પાલઘર, નવી મુંબઈ, મુંબઈ, થાણે, ઘોડબંદરમાંથી પસાર થવા પર પ્રતિબંધ છે અને તેમને અચ્છાદ નાકા અને અંબોલી ખાતે રોકવામાં આવશે.

ડાઇવર્ઝન
મહાલક્ષ્મી પુલ, વાઘાડી, કાસા, તલવાડા, વિક્રમગડ, પલફાટા, વાડા, મનોર, ચારોટી નાકા, સરની, નિકાવલી, આંબોલી, મસાડા, પેઠ, અંબેડા, ચીખલીપાડા, ચિંચપાડા, નાગઝરી ખાતે ડાઇવર્ઝન રાખવામાં આવ્યાં છે. 

mumbai news mumbai palghar mumbai traffic mumbai traffic police ahmedabad national highway