વેપારીઓની જીએસટીની દમનકારી જોગવાઈઓ સામે આંદોલનની ધમકી

12 January, 2021 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારીઓની જીએસટીની દમનકારી જોગવાઈઓ સામે આંદોલનની ધમકી

પ્રતીકાત્મક તસવીર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ) દ્વારા રવિવારે મહારાષ્ટ્રના પુણેના માર્કેટ યાર્ડ પાસે આવેલા નજુશ્રી હૉલમાં રાજ્યસ્તરે યોજાયેલા અધિવેશનમાં ઈ-કૉમર્સ, એફએસએસએઆઇ (ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) ઍક્ટ અને જીએસટી ઍક્ટ, કૃષિ પેદાશ બજારો અધિનિયમ વગેરેમાં સખત સુધારાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જીએસટીની દમનકારી જોગવાઈઓ સામે વ્યાપારીઓ દેશવ્યાપી આંદોલન કરશે એવો સંકેત આપવામાં આવ્યો હતો.

આ અધિવેશનની માહિતી આપતાં કૅઇટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ડિજિટલ માર્કેટ માટે નીતિઓ ઘડવા, વેપાર માટે આધાર કાર્ડની તર્જ પર એક જ લાઇસન્સ સ્થાપવા, મલ્ટિ નૅશનલ્સ સાથે સ્પર્ધા કરવા વેપારીઓ માટે વેપારી સહકારી મંડળ સ્થાપવા હાકલ કરવામાં આવી છે. ઈ-કૉમર્સ કાયદાના યોગ્ય અને અસરકારક અમલીકરણ માટે કાયદામાં દમનકારી જોગવાઈઓને રદ કરવાની દરખાસ્તો અધિવેશનમાં પસાર કરવામાં આવી હતી. ઈ-કૉમર્સ ટ્રેડ માટે સરકારે નીતિ જાહેર કરવી જોઈએ. વડા પ્રધાને જાહેર કરેલા અભિયાનને ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવા માટે રાષ્ટ્રીય સ્તરે એક સંયુક્ત સમિતિની નિમણૂક કરવી જોઈએ, જેમાં ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓનો સમાવેશ થવો જોઈએ. એવી જ રીતે રાજ્યમાં પણ દરેક જિલ્લાઓમાં સમિતિની નિમણૂક કરવી જોઈએ. એફએસએસએઆઇ ઍક્ટ અને જીએસટી ઍક્ટની દમનકારી જોગવાઈઓને રદ કરવા માટે ટૂંક સમયમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘આ કંપનીઓની ગેરરીતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ઈ-કૉમર્સ અને ઑનલાઇન બિઝનેસ વ્યવસાય માટે પરંપરાગત નાના વેપારીઓને તાલીમ આપવી, ધંધા શરૂ કરવામાં મદદ કરવી જોઈએ. સરકાર દ્વારા દેશના વેપારીઓને બહુરાષ્ટ્રીય કંપનીઓની સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે આછા વ્યાજે આર્થિક મદદ મળવી જોઈએ.’ 

mumbai mumbai news goods and services tax