એપીએમસીમાં ચોરીની વધેલી ઘટનાથી વેપારીઓ પરેશાન

26 July, 2020 10:21 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

એપીએમસીમાં ચોરીની વધેલી ઘટનાથી વેપારીઓ પરેશાન

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી ફ્રૂટ માર્કેટમાંથી છેલ્લા બે-ત્રણ દિવસથી અંદાજે ૪૦૦ ક્રૅટ જેટલાં દાડમની ચોરી થઈ છે. એક ક્રૅટમાં અંદાજે ૧૦થી ૧૫ કિલો દાડમ હોય છે. એને લીધે વેપારીઓને હજારો રૂપિયાનું નુકસાન થાય છે. ભાજીપાલા માર્કેટ અને ફ્રૂટ માર્કેટમાં રાત-દિવસ લોડિંગ-અનલોડિંગ ચાલુ રહેતું હોવાથી ચોરી થઈ રહી હોવાનું ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ જણાવ્યું હતું.
પાંચ મુખ્ય માર્કેટોના ગેટ પર એપીએમસીની સિક્યૉરિટી નિયુક્ત કરાઈ છે છતાં આ ચોરી થઈ રહી છે. આ વિશે માહિતી આપતાં ફ્રૂટ માર્કેટના જાણીતા વેપારી અને એપીએમસી ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે-ત્રણ દિવસમાં ફ્રૂટ માર્કેટમાંથી ૪૦૦ ક્રૅટ દાડમ ચોરાયાં છે. એ ઉપરાંત નાની-મોટી ચોરીનું પ્રમાણ વધ્યું છે. ફ્રૂટ માર્કેટમાં રાત-દિવસ ગાડીઓનું લોડિંગા-અનલોડિંગ ચાલુ હોય છે એને કારણે આ થઈ રહ્યું છે. ચોરેલો માલ પણ ટેમ્પોમાં કે ટ્રકમાં જ લઈ જવાય છે અને એમાં એ લોકો ચાલાકી વાપરતા હોય છે. તેઓ ગાડી ખાલી કરીને જઈ રહ્યા છે એવું દેખાડવા આગળની સાઈડ ખાલી ક્રૅટ રાખે છે જ્યારે પાછળની બાજુએ ચોરેલાં ક્રૅટ ગોઠવી દે છે. અમે આ બાબતે એપીએમસીમાં ફરિયાદ કરી છે એથી હવે તેમણે તેમના સિક્યૉરિટી સ્ટાફને પણ આ બાબતે જાણ કરી છે. એટલું જ નહીં, ગાડીમાં ગોઠવેલા માલનું બરોબર ચેકિંગ કરીને પછી જ ગાડી બહાર છોડવાના આદેશ અપાયા છે.’
એ ઉપરાંત એપીએમસીની ભાજીપાલા માર્કેટમાં ૨૦ જુલાઈએ સોમવારે એક દુકાનમાંથી દિવસે ચોરી થઈ હતી. ત્રણથી ચાર યુવાનોએ દુકાન તોડીને એમાંથી ૩.૫ લાખ રૂપિયા રોકડ ચોરી લીધા હતા. એ બાબતે એપીએમસી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એપીએમસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાસ્કરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે અમે હાલ ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છીએ.
એક વેપારીએ કહ્યું કે ‘કોરોનાને કારણે જે કાયમી મજૂરો અમારે ત્યાં કામ કરતા હતા એમાંના મોટા ભાગના મજૂરો તેમના વતન ચાલ્યા ગયા છે. એથી હાલ કુર્લા, ગોવંડી અને માનખુર્દના મુસ્લિમ યુવાનો મજૂરી માટે આવે છે. વળી તેઓ આવ્યા બાદ ભાજીપાલાની ગૂણીઓ ચોરાવાનું પ્રમાણ વધ્યું છે. માર્કેટમાં પ્રાઇવેટ સિક્યૉરિટી કોઈને પણ નથી. એપીએમસી માર્કેટના જે મેઇન ગેટ પર સિક્યૉરિટી હોય છે એ જ હોય છે. હાલ લૉકડાઉનને કારણે અમારી માર્કેટ રાતે ૮ વાગ્યે ખૂલે છે. રાતે માલ આવે એ અનલોડ થાય, વહેલી સવારે ગ્રાહકો આવે એ માલ લઈને લોડ કરીને નીકળી જાય. ઘણી વાર વેપારના જે રૂપિયા આવ્યા હોય એ સવારે બૅન્કમાં ભરી દઈએ. હાલમાં બૅન્કમાં પણ કૅશ લેતા નથી, અમારે એ કૅશ મશીનમાં ભરવા પડે છે. મશીનમાં મોટી નોટ જ લે છે જ્યારે અમારી પાસે તો નાની નોટો અને એ પણ વપરાયેલી અને ચોળાયેલી વધારે પ્રમાણમાં હોય છે એથી ઘણી વાર વકરો ગલ્લામાં જ હોય છે. છેલ્લા બે-ચાર દિવસથી મોટા ભાગના ગાળામાંથી દરરોજ ભાજીપાલાનાં ક્રૅટની ચોરી થાય જ છે.
એટલું જ નહીં, બહારના મજૂરો આવ્યા પછી તો પાણી, પાન, ગુટકા, સિગારેટ અને ક્યારેક તો નશીલા પદાર્થનું વેચાણ કરનાર ફેરિયાઓ પણ વધી ગયા છે. તેમના પર કોઈ બંધી નથી. આ ચોરીના બનાવોને લીધે વેપારીઓ ભડક્યા છે.
સિક્યૉરિટી સવાર-સાંજ હોય છે. સવાર-સાંજ જ્યારે વેપારીઓ અને તેમનો સ્ટાફ આવે ત્યારે જેમણે માસ્ક ન પહેર્યા હોય તેમને રોકીને માસ્ક પહેરવાનું તેઓ કહે છે. આખા દિવસમાં કોણ આવ્યું, કોણ ગયું એના પર કોઈ ખાસ પગલાં લેવાતાં નથી. અમે એપીએમસીમાં આ બાબતે ફરિયાદ કરી છે, પણ તેઓ ખાસ કોઈ પગલાં લેતા નથી.’

mumbai mumbai news apmc market Crime News mumbai crime news