વેપારીઓએ પણ આપી ઇલેક્શન-બૉયકૉટની ધમકી

12 July, 2021 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાતે ૯ વાગ્યા સુધી દુકાનો ખોલવાની સરકારને આજીજી કરી-કરીને થાકી ગયેલા વેપારી અસોસિએશન દ્વારા હવે આવી જાહેરાત

વેપારીઓએ પણ આપી ઇલેક્શન-બૉયકૉટની ધમકી

કોરોનાના કેસ ઓછા થતા હોવા છતાં રાજ્ય સરકાર અને ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નૉન-એસેન્શિયલ ગુડ્સના દુકાનદારોને સાંજના માત્ર ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અને એમાં પણ અઠવાડિયાના માત્ર પાંચ જ દિવસ હોવાથી વેપારીઓ કંટાળ્યા છે. રીટેલ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (એફઆરટીડબ્લ્યુએ)ના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે જો આવું જ ચાલુ રહ્યું તો વેપારીઓ આવનારી ચૂંટણીમાં આ સરકારનો બહિષ્કાર કરશે.   
એફઆરટીડબ્લ્યુએના વીરેન શાહે આ બાબતે કહ્યું હતું કે ‘ છેલ્લાં પાંચ અઠવાડિયાંથી મુંબઈમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા હોવા છતાં હાલ મુંબઈને લેવલ-૩માં રાખ્યું છે. એપ્રિલ મહિનાથી નવાં નિયંત્રણો લાગુ કરાયાં છે. હાલ અનેક દુકાનદારો ચાર વાગ્યા સુધીની સમયમાર્યાદાને કારણે ભારે હાડમારી ભોગવી રહ્યા છે. સામાન્યપણે લોકો સાંજના પાંચથી આઠ વાગ્યા દરમ્યાન ખરીદી કરવા નીકળતા હોય છે, પણ ચાર વાગ્યે જ દુકાનો બંધ કરી દેવી પડતી હોવાથી દુકાનદારોને ખાસ કશો વકરો થતો નથી અને એથી દુકાન ખોલવા છતાં તેમની હાલત કફોડી થઈ જાય છે. વળી દુકાન ખોલતાં જ કર્મચારીઓના પગાર, લાઇટબિલ, ભાડું વગેરે ખર્ચા તો ચાલુ રહેવાના જ છે. એથી એને કઈ રીતે પહોંચી વળવું એની એમને ચિંતા છે.’
વીરેન શાહે વધુમાં કહ્યું હતું કે ‘સરકાર કહે છે કે જ્યારે મુંબઈમાં રોજના ૨૦૦ કરતાં ઓછા કેસ નોંધાશે ત્યારે રાહત આપીશું. હકીકતમાં આ શક્ય નથી, કારણ કે મુંબઈમાં રોજ બહારગામથી અનેક લોકો આવે છે. બીજું, વૅક્સિનની શૉર્ટ સપ્લાયને કારણે પણ મુંબઈના ૮૦થી ૧૦૦ ટકા લોકોને વૅકિસન આપવા માટે લાંબો સમય લાગી શકે એમ હોવાથી શું મુંબઈને ત્યાં સુધી બંધ રાખવાનું? આ સિવાય સરકાર તરફથી વેપારીઓને કોઈ રાહત-પૅકેજ પણ ઑફર કરાતું નથી. મુંબઈના અને રાજ્યના વેપારીઓ સરકારના વલણથી કંટાળ્યા છે. અનેક વાર સરકારને વિનંતીઓ કરવા છતાં સરકાર તરફથી પગલાં લેવાયાં નથી. જો સરકાર ટૂંક સમયમાં રાતના નવ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી નહીં આપે તો આવનારી ચૂટંણીમાં વેપારીઓ આ સરકારનો બહિષ્કાર કરશે.’      

Mumbai Mumbai News lockdown