એસીબીના અધિકારીઓનો સ્વાંગ રચીને લાંચ માગનારાને વેપારીએ પકડાવ્યા

04 January, 2021 10:51 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

એસીબીના અધિકારીઓનો સ્વાંગ રચીને લાંચ માગનારાને વેપારીએ પકડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

હાલ અન્ય રાજ્યોમાંથી ગુટખાના સ્મગલિંગ પર અનેક જગ્યાએ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે થાણેની બાજુમાં આવેલા મુંબ્રા-કૌસામાં ગઠિયાઓએ એનો ફાયદો ઉઠાવીને વેપારી પાસેથી ખંડણી પડાવવાનો કારસો રચ્યો હતો.

કૌસામાં એક દુકાનદાર રાજ્યમાં પ્રતિબંધિત ગુટખાનું વેચાણ કરતો હતો. ગઠિયાઓએ તેને કેસ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા દસ લાખની ખંડણી માગી હતી પણ વેપારીએ આ સંદર્ભે એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતાં આખરે છટકું ગોઠવી બન્ને ગઠિયાને ઝડપી લેવાયા હતા. 

કૌસા તળાવ પાસેના શિમલા પાર્કની મિનાર રેસિડન્સીમાં મુબશિર અસ્લમ શેખ અસ્લમ સુપારી નામનો જનરલ સ્ટોર ધરાવે છે. ૨ જાન્યુઆરીએ તેમના સ્ટોર પર બન્ને ગઠિયા પહોંચી ગયા હતા. તેમણે મુબશિરને એસીબી લખેલું આઇકાર્ડ બતાવી ધમકાવતા કહ્યું અમે એન્ટિ કરપ્શન બ્યુરો નવી મુંબઈના અધિકારી છીએ. રાજ્યમાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે છતાં તું વેચે છે એટલે અમે તારા પર આઇપીસી ૩૨૮ હેઠળ કેસ કરીશું. જો કેસ ન કરવો હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે.

જોકે મુબશિરને શંકા જતાં તેણે નવી મુંબઈ એન્ટિ કરપ્શનને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ છટકું ગોઠવી એ બન્ને આરોપીઓ અમલદાર મોહસિન અલી પુંજા અને જયેશ રાધાકિશન સોનાવણેને ઝડપી લીધા હતા. ત્યાર બાદ તેમની તલાશી લેતા એક નૅશનલ સિક્યૉરિટી એન્ડ એન્ટિ કરપ્શન  ક્રાઇમ પ્રિવેન્ટીવ બ્રિગેડ લખેલું આઇકાર્ડ અને એક એમસીજીએમ સ્વચ્છતા અને આરોગ્ય વિધિ  વૉર્ડ –એનું આઇડી મળી આવ્યું હતું. બન્ને ગઠિયા સામે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.  

mumbai mumbai news thane thane crime anti-corruption bureau