04 May, 2023 09:26 AM IST | Mumbai | Mehul Jethva
ડી-માર્ટની બહાર મેઇન રોડ પર ઊભેલાં જપ્ત કરવામાં આવેલાં વાહનો.
મુંબઈ : મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પરની ટ્રાફિક-ચોકીમાં ટો થતાં વાહનોને કઈ રીતે સેફ રાખવા અને એને પાર્ક કરવા એ ટ્રાફિક વિભાગના અધિકારીઓને માથાનો દુખાવો થઈ ગયો છે. આ પહેલાં ટો કરેલાં વાહનો જ્યાં પાર્ક થતાં હતાં એ જગ્યા સોસાયટીની હોવાથી કોર્ટના કેસ બાદ તમામ જગ્યા ખાલી કરવી પડી હતી. એ પછી છેલ્લા એક મહિનાથી ટો થતાં વાહનો પાર્ક કરવા માટે ટ્રાફિક અધિકારીઓને પરેશાની સહેવી કરવી પડે છે. એટલું જ નહીં, આ વાહનો હાલમાં નો-પાર્કિંગમાં ઊભાં કરવામાં આવી રહ્યાં છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલરને ટ્રાફિક પોલીસ દ્વારા એલબીએસ રોડ પર મૅરથૉન મૅક્સિમા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ગેટની બહાર ટ્રાફિક-ચોકીની બાજુમાં આવેલા ખુલ્લા વિસ્તારમાં પાર્ક કરવામાં આવતાં હતાં. આથી આ સોસાયટીના રહેવાસીઓએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ આખરે કોર્ટે સોસાયટીની તરફેણમાં ચુકાદો આપીને સોસાયટીની બહાર પાર્ક કરેલાં વાહનો વહેલી તકે હટાવવાનો આદેશ આપ્યો હતો. એ પછી ટ્રાફિક અધિકારીઓએ કોર્ટના આદેશનું પાલન કરીને આશરે ૬૭ વાહનો પાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રાખ્યાં હતાં. જોકે દિવસ દરમિયાન ટો થતાં વાહનોને રાખવા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ દૂર હોવાથી એમને મુલુંડ લિન્ક રોડ પર ડી-માર્ટની બહાર મેઇન રોડ પર પાર્ક કરવામાં આવી રહ્યાં છે જેમાં ટ્રાફિક અધિકારીઓની ટોઇંગ ટીમને મોટી પરેશાની થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
મુલુંડ ટ્રાફિક વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ પ્રમાણે અમને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વાહનો પાર્ક કરવાની પરવાગી આપવામાં આવી છે. જોકે અમારી ચોકીથી મુલુંડનું ડમ્પિંગ ગ્રાઉન્ડ આશરે ત્રણ કિલોમીટર દૂર છે એટલે દિવસ દરમિયાન ટો થતાં વાહનો અમે ડી-માર્ટની બહાર મેઇન રોડ પર પાર્ક કરીએ છીએ. સાંજ સુધીમાં જે વાહનોને એમના માલિક નથી લઈ જતા એ વાહનો અમે ધક્કો મારીને રાત્રે સાડાઆઠ વાગ્યા પછી ટ્રાફિક-ચોકીની બીજી બાજુ પાર્ક કરીએ છીએ. કોર્ટના આદેશ પછી અમને મોટી પરેશાની થઈ છે. રાજ્ય સરકાર અમને પાર્કિંગની જગ્યા ન આપે ત્યાં સુધી મુલુંડમાં વાહનો ટો કરવાનું બંધ કરવા માટેની સલાહ પણ મોટા અધિકારીઓને આપવામાં આવી હતી જેના માટે તેઓ ઍગ્રી થયા નહોતા.’
મુલુંડ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર લાડશેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૮૯થી અમારી ટ્રાફિક-ચોકી અહીં આવેલી છે અને ત્યાંથી અમે વાહનો અહીં બાજુમાં પાર્ક કરીએ છીએ જે અહીં આવતા વાહનચાલકો માટે ઉપયોગી છે, કારણ કે તેઓ ફાઇન ભરે એટલે બાજુમાંથી વાહન તેમને મળી જાય છે. જો વાહન દૂર હોય તો તેમણે અમારી પાસેથી પાવતી લેવા માટે અલગ જગ્યાએ આવવું પડે અને વાહન લેવા અલગ જગ્યાએ જવું પડે જે તેમના માટે હાલાકી સાબિત થાય. હાલમાં અમે ડી-માર્ટની બહાર મેઇન રોડ પર વાહનો પાર્ક કરીએ છીએ. અમે પાલિકા પાસે અહીં પડેલા ખાલી પ્લૉટની માગણી આ વાહનો રાખવા માટે કરી છે. જોકે તેમના તરફથી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવતાં છેલ્લા એક મહિનાથી અમે રોડ પર વાહનો પાર્ક કરી રહ્યા છીએ.’