રાજધાનીમાંથી ઊતરેલા પ્રવાસીઓ શોધવા લાગ્યા કૂલી

15 May, 2020 10:02 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar, Vishal Singh

રાજધાનીમાંથી ઊતરેલા પ્રવાસીઓ શોધવા લાગ્યા કૂલી

ગઈ કાલે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનમાંથી નીકળી રહેલા મુસાફરો. તસવીરઃ બિપીન કોકાટે

ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઊતરેલા પ્રથમ નવી દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસના ૧૦૭૨ મુસાફરોને પોતાનો સામાન જાતે ઉપાડવાની ફરજ પડતાં તેમને કૂલીની ખોટ વર્તાઈ હતી. સ્ટેશન પર ઊતરતાં જ થર્મલ સ્ક્રીનિંગ કરી તેમના હાથ પર હોમ ક્વૉરન્ટીનનો સિક્કો મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમનો સામાન પણ સૅનિટાઇઝ કરાયા બાદ બીએસટી અને એમએસઆરટીસીની બસમાં શહેરના વિવિધ ભાગોમાં તેમ જ પુણે, કોલ્હાપુર જેવાં શહેરોમાં રવાના કરવામાં આવ્યા હતા.
ટ્રેનમાંથી ઊતર્યા બાદ બધા મુસાફરોના લગેજને ફાયર-બ્રિગેડ દ્વારા સૅનિટાઇઝ કરાયો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરતાં એક મીટરનું અંતર જાળવીને ઊભા રહેતાં પ્લૅટફૉર્મ પર ઊભા કરવામાં આવેલા બીએમસી અને રેલવેના ડૉક્ટરોના મેડિકલ ડેસ્ક પર મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરાયા બાદ તેમના હાથ પર આજની તારીખ સાથેનો ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ મારવામાં આવ્યો હતો. કોવિડ-૧૯નાં લક્ષણો ધરાવનારાઓને સંસ્થાકીય ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ મારવામાં આવ્યો હતો. તમામ ઔપચારિકતા પૂર્ણ થયા બાદ પોતાના અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરનારા મુસાફરોને અલગ-અલગ લાઇનમાં ઊભા કરવામાં આવ્યા હતા.
બેસ્ટએ મુંબઈનાં વિવિધ સ્થળોએ જવા માટે 30 બસો તૈયાર રાખી હતી તથા મુસાફરો પાસેથી સામાન્ય ભાડું વસૂલ કરવામાં આવતું હતું.
એમએસઆરડીસીએ ત્રણ પાલઘર માટે, ત્રણ કલ્યાણ અને ભિવંડી માટે તથા એક પુણે અને એક કલ્યાણ માટે એમ કુલ આઠ બસો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર મોકલી હોવાનું એમએસઆરટીસીના પ્રવક્તા અભિજિત ભોસલેએ જણાવ્યું હતું. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૧૫ મેથી મુંબઈથી અને ૧૬ મેથી દિલ્હીથી એક ઍડિશનલ એસી ટૂ-ટિયર કોચ સાથેની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

rajendra aklekar vishal singh mumbai mumbai news rajdhani express