19 August, 2026 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મ્યુનિસિપલ કમિશનરોની વર્ચ્યુઅલ બેઠકને સંબોધી રહેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે મ્યુનિસિપલ કૉર્પોરેશનોને ગણેશોત્સવ પહેલાં રસ્તા ખાડામુક્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો અને ચોમાસા દરમ્યાન તાત્કાલિક સમારકામ માટે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉપરોક્ત નિર્દેશના ઝડપી પાલનને પ્રોત્સાહન આપવા માટે એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ખાડામુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અકસ્માતમુક્ત ઉત્સવના અમલીકરણને સફળતાપૂર્વક પૂરું કરનારા ટોચનાં ૩ મ્યુનિસિપલ કૉર્પોરેશનોને પુરસ્કાર આપશે.
૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા આ ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરતાં એકનાથ શિંદેએ રાજ્યભરનાં મ્યુનિસિપલ કૉર્પોરેશનોને તમામ
મુખ્ય રસ્તાઓ, ઇન્ટર્નલ રોડ અને ગણેશ-આગમન અને મૂર્તિ-વિસર્જન માટે ઉપયોગમાં લેવાતા રોડ પરના ખાડાઓ પૂરવા માટે ટાઇમટેબલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. મહારાષ્ટ્રનો પ્રિય તહેવાર ગણેશોત્સવ થોડા દિવસો દૂર છે ત્યારે શોભાયાત્રા અને વિસર્જનના માર્ગો પર કોઈ ખાડા ન હોવા જોઈએ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટે પણ આ મુદ્દાની
નોંધ લીધી છે અને સરકારને તાત્કાલિક ખાડાઓ સુધારવાનો નિર્દેશ આપ્યો છે.
ગણેશોત્સવ માટે સારી કામગીરી કરનાર અને ઝડપથી તૈયારીઓ પૂરી કરનાર મ્યુનિસિપલ કૉર્પોરેશનોને ખાસ પુરસ્કારો અપાશે. સરકાર મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને અધિકારીઓનો રેકૉર્ડ રાખશે અને જેમની કામગીરી નબળી છે એવાં મ્યુનિસિપલ કૉર્પોરેશનોને ભંડોળ ફાળવતી વખતે આવી કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે.’
- એકનાથ શિંદે