લૉકડાઉનના નિયમનો ભંગ કરવા બદલ બ્રીચ કૅન્ડીની મહિલાની ધરપકડ

23 May, 2020 11:22 AM IST  |  Mumbai | Diwakar Sharma

લૉકડાઉનના નિયમનો ભંગ કરવા બદલ બ્રીચ કૅન્ડીની મહિલાની ધરપકડ

વિનીતા મંઘનાણીની ધરપકડ કરી રહેલી પોલીસ

દક્ષિણ મુંબઈમાં બ્રીચ કૅન્ડીની રહેવાસી ૩૪ વર્ષની મહિલા વિનીતા મંઘનાણીની લૉકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ તથા ગુરુવારે સાંજે ગિરગામ ચોપાટી નજીક મહિલા પોલીસ-અધિકારી પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોએ મિડ-ડેને જણાવ્યું હતું કે મંઘનાણી ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ ગૃહિણી છે અને ગિરગામ ચોપાટી નજીક નિયમિતપણે જૉગિંગ કરતી જોવા મળે છે. તે તેના ઘરેથી ચાર કિલોમીટર ચાલીને ચોપાટી પહોંચે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘છેલ્લા ૧૫ દિવસથી અમે મહિલાને લૉકડાઉનમાં ઘરની બહાર ન આવવાની ચેતવણી આપી રહ્યા છીએ અન્યથા તેની સામે ગુનો નોંધવામાં આવશે. જ્યારે પણ અમે તેને ઘરની બહાર ન આવવા જણાવતાં ત્યારે તે કહેતી કે તે આગામી દિવસથી નહીં આવે. આવું ૧૫ દિવસ સુધી ચાલ્યું.’

ગુરુવારે સેંકડો સ્થળાંતરિતો ઝારખંડ જનારી ટ્રેનમાં બેસવા માટે થર્મલ સ્ક્રીનિંગ કરાવવા માટે એકઠા થયા હોવાથી ગિરગામ ચોપાટી નજીક મોટી સંખ્યામાં પોલીસ હાજર હતા.

જ્યારે સિનિયર પોલીસ-અધિકારીઓએ મંઘનાણીને માર્ગ પાસે જૉગિંગ કરતી જોઈ ત્યારે તેમણે મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ (ડબ્લ્યુપીસી)ને મહિલાને અટકાવવા જણાવ્યું.

જ્યારે ડબ્લ્યુપીસી વર્ષા બંદેએ મંઘનાણીને અટકાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલાએ તેની વાત કાને ન ધરી અને બીજા ૧૦૦ મીટર સુધી ચાલતી રહી. ડબ્લ્યુપીસી તેની નજીક ગઈ તો મંઘનાણી વિના કારણે તેને અપશબ્દો કહેવા માંડી. મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સ્મિતા પરબે ત્યાં જઈને મંઘનાણીને શાંત પાડવા પ્રયત્ન કર્યો, પણ મહિલાએ ઇન્સ્પેક્ટરનું પણ ન સાંભળ્યું એટલું જ નહીં, મંઘનાણીએ પોલીસને ગાળો ભાંડીને તેમના યુનિફૉર્મ પર થૂંકવાની પણ ધમકી આપી.

મંઘનાણીએ મહિલા ઇન્સ્પેક્ટરને માર મારતાં ઇન્સ્પેક્ટરે સંતુલન ગુમાવી દીધું અને તેઓ મોટરસાઇકલ પર પડ્યાં અને હાથમાં ઈજા થઈ. આ મામલે ડબ્લ્યુપીસી બંદેની ફરિયાદના આધારે મંઘનાણી વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૮૮, ૩૫૩, ૩૩૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

coronavirus covid19 lockdown mumbai mumbai news breach candy diwakar sharma