06 February, 2025 08:58 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent
શિર્ડીના પ્રસાદાલયમાં જવા માટેનું ટોકન લેવા માટે સૂચના આપવામાં આવી છે.
શિર્ડીમાં આવેલા સાંઈબાબાના મંદિરના સાંઈ પ્રસાદાલયમાં ફ્રી ભોજન આપવામાં આવે છે એને કારણે ગુનેગારોની સંખ્યામાં વધારો થયો હોવાનો ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય સુજય વિખે-પાટીલે કરેલા આરોપ તેમ જ બે દિવસ પહેલાં સાંઈ સંસ્થાનના બે કર્મચારીઓની લૂંટના ઇરાદે કરવામાં આવેલી હત્યાને પગલે સાંઈ સંસ્થાને પ્રસાદાલયના નિયમમાં ફેરફાર કર્યો છે. આજથી સાંઈ પ્રસાદાલયમાં ભોજન લેવા માટે ટોકનની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ પ્રસાદાલયમાં દરરોજ પચાસ હજાર લોકો મફતમાં ભોજન કરે છે.
સાંઈબાબાનાં દર્શન કરીને મંદિરની બહાર નીકળતા ભક્તોને પ્રસાદ આપવાની સાથે સાંઈ પ્રસાદાલયમાં ભોજન કરવા માટેનું ટોકન આપવામાં આવશે. જોકે કોઈ પણ પ્રકારનો નશો કરીને, સિગારેટ પીને કે તંબાકુ ખાઈને સાંઈબાબાનાં દર્શન કરનારાઓને પ્રસાદાલયમાં ભોજન કરવા માટેનું ટોકન નહીં આપવામાં આવે. સાંઈ સંસ્થાનના આ પગલાથી અસામાજિક તત્ત્વો સાંઈ પ્રસાદાલયમાં નહીં જઈ શકે. પરિણામે ગુનાખોરી નિયંત્રણમાં આવશે એવો દાવો સાંઈ સંસ્થાનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગોરક્ષ ગાડીલકરે કહ્યું હતું. શિર્ડીમાં ઘણાં અસામાજિક તત્ત્વો મફતનું ભોજન કરીને નશાની હાલતમાં ત્યાં જ પડ્યા-પાથર્યા રહે છે એટલું જ નહીં, ત્યાર બાદ તેઓ નાના-મોટા ગુના પણ કરતા હોય છે.