ઍન્ટૉપ હિલમાં રમતાં-રમતાં કારની અંદર લૉક થઈ ગયાં પાંચ અને સાત વર્ષનાં ભાઈ-બહેન, જીવ જતો રહ્યો

26 April, 2024 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વ્યક્તિએ કારની અંદર બાળકોને બેહોશ હાલતમાં જોયાં હતાં

આ કારની અંદર લૉક થવાથી ભાઈ-બહેનનાં મૃત્યુ થયાં હતાં.

મુંબઈના ઍન્ટૉપ હિલ વિસ્તારમાં પાંચ અને સાત વર્ષનાં ભાઈ-બહેનનાં કારની અંદર લૉક થવાથી મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ બુધવારે બપોર બાદ પાંચ વર્ષની મુસ્કાન શેખ અને સાત વર્ષનો સાજિદ શેખ તેમના ઘરની બહાર રમતાં હતાં ત્યારે અચાનક ગાયબ થઈ ગયાં હતાં. રાત સુધી તેઓ ઘરમાં પાછાં ન ફરતાં સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. બાળકોનો પરિવાર અને પોલીસ તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે એક વ્યક્તિએ કારની અંદર બાળકોને બેહોશ હાલતમાં જોયાં હતાં. કારનો દરવાજો ખોલીને મુસ્કાન અને સાજિદને બહાર કાઢ્યાં હતાં અને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઍન્ટૉપ હિલ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે બાળકો રમતાં-રમતાં તેમના ઘરની પાસેના મેદાનમાં લાંબા સમયથી પડી રહેલી ભંગાર જેવી કારમાં ગયા હશે. કારનો દરવાજો બંધ જઈ ગયા બાદ એ ખૂલ્યો નહીં હોય એટલે તેઓ ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં હશે.


mumbai news antop hill south mumbai