આજે પશ્ચિમનાં પરાં અને પૂર્વનાં કેટલાંક પરાંમાં પાણી નહીં આવે

30 January, 2023 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈગરાઓને પાંચ દિવસ પાણી કાળજીપૂર્વક વાપરવાની સુધરાઈની સલાહ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુંબઈ મહાનગરપાલિકા ભાંડુપમાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટમાં વધારાની ૪,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઇપલાઇન જોડવાનું કામ અને અન્ય પાઇપલાઇન પર વાલ્વ બેસાડવા, નવી પાઇપલાઇનનું જોડાણ કરવું અને બે જગ્યાએ લીકેજ છે ત્યાં રિપેરિંગ કરવાની હોવાથી આવતા ચાર દિવસ મુંબઈનાં કેટલાંક પરાં અને ખાસ કરીને પશ્ચિમનાં પરાંમાં પાણીકાપ રહેશે. આજે ૩૦ જાન્યુઆરીએ સવારના ૧૦ વાગ્યાથી કાલે ૩૧ જાન્યુઆરીએ સવારના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક મુંબઈના કુલ ૨૪ વૉર્ડમાંથી ૧૨ વૉર્ડમાં પાણીપુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, જ્યારે અન્ય બે વિભાગમાં ૨૫ ટકા પાણીકાપ રહેશે એવી માહિતી બીએમસીના હાઇડ્રોલિક એન્જિનિયર પુરુષોત્તમ માળવદેએ આપી છે.

પુરુષોત્તમ માળવદેએ કહ્યું હતું કે પશ્ચિમના બાંદરાથી લઈને દહિસર સુધીનાં પરાંમાં ઈસ્ટ-વેસ્ટ બંને તરફ સોમવારે પાણી નહીં આવે; જ્યારે પૂર્વનાં પરાંમાંના કુર્લા-એલ વૉર્ડ, ઘાટકોપર એન વૉર્ડ અને એસ વૉર્ડ, વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ અને નાહુર વિસ્તારમાં પાણી નહીં આવે.

મુંબઈના ઉપરોક્ત વિસ્તારો સિવાય બીએમસીના જી નૉર્થ અને જી સાઉથ વૉર્ડ, માહિમ-પશ્ચિમ, માટુંગા-પશ્ચિમ, દાદર અને પ્રભાદેવીમાં સોમવારે ૨૫ ટકા પાણીકાપ રહેશે. ધારાવીમાં જ્યાં પાણી સપ્લાય સાંજના ચારથી રાતના નવ વાગ્યા દરમિયાન કરાય છે ત્યાં પણ સોમવારે પાણી નહીં આવે.

આ ઉપરાંત ચોથી ફેબ્રુઆરી સુધી ઉપરોક્ત જણાવેલા બધા જ વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું રહેશે અને પાણીની સપ્લાય ઓછી થશે એટલે મુંબઈગરાઓ પાણી કાળજીપૂર્વક વાપરે એવું સૂચન મહાનગરપાલિકા દ્વારા કરાયું છે.   

mumbai mumbai news brihanmumbai municipal corporation