મફતના રાષ્ટ્રધ્વજથી લહેરાવવો છે રાષ્ટ્રપ્રેમ?

13 August, 2022 12:01 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

દેશપ્રેમ દર્શાવવા માટે લોકો રાહ જોઈને બેઠા છે કે બીએમસી દ્વારા તેમના સુધી તિરંગો મફતમાં પહોંચે : જોકે સવાલ એ પણ છે કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ફક્ત ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી સુધી સીમિત હોવી જોઈએ?

પ્રવીણ સોલંકી

મુંબઈના અનેક વિસ્તારોમાંના રહેવાસીઓ ગઈ કાલ સુધી મહાનગરપાલિકાના મફત ધ્વજવિતરણની સેવાના લાભથી વંચિત રહી ગયા છે. એનાથી પણ વધારે દુખજનક તો એ છે કે નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકો તેમનો રાષ્ટ્રપ્રેમ દર્શાવવા માટે સરકાર અને મહાનગરપાલિકા તરફથી તેમને મફતમાં ધ્વજ મળે એની આશા રાખીને બેઠા છે.

ઘાટકોપરના આઝાદીના ઘડવૈયાઓ અને સ્વતંત્રતાસેનાનીઓ સાથે બાળપણમાં જ અગ્ર રહી ચૂકેલા નાટ્યકાર પ્રવીણ સોલંકીએ આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું આ સંદર્ભમાં સતત કહેતો આવ્યો છું કે આપણે ૧૫ ઑગસ્ટે કે ૨૬ જાન્યુઆરીએ સફાળા જાગીને આપણા રાષ્ટ્રપ્રેમને દર્શાવવા માટે બહાર આવીએ એ ખરેખર અજુગતું છે. આઝાદી દિનને ઊજવવાનો ન હોય, એને મનાવવાનો હોય અને એ રોજ મનાવવો જોઈએ. આપણે એક દિવસ ઉજવણી કરીને પછી એને ભૂલી જઈએ એ કેટલું હાસ્યાસ્પદ કહી શકાય. રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી કે જય હિન્દ બોલવાથી દેશભક્ત બની જતા નથી. દેશભક્તિની ભાવના સદાકાળ તમારા મનમાં હોવી જોઈએ જે આજે કોઈ નેતામાં કે રાજકીય પક્ષમાં કે વ્યક્તિમાં જોવા મળતી નથી. આઝાદી દિન, માતૃદિન, પિતૃદિન એ આપણા જીવનમાં અને આપણા કણકણમાં વણાયેલા હોવા જોઈએ. એના માટે તમે કોઈ એક દિવસ મુકરર કરી શકો જ નહીં. આપણે આઝાદી દિને એમ કહીએ છીએ કે આની ઉજવણીથી આપણાં બાળકોને આઝાદીના ઇતિહાસની જાણકારી મળશે, પરંતુ આવી કોઈ જ જરૂર નથી. આપણાં બાળકોને જન્મથી જ આઝાદીના સંગ્રામની, બલિદાનોની, આપણા શહીદોની વાતો કરીને તેમને કહેવું જોઈએ કે આપણે જે આઝાદી ભોગવી રહ્યા છીએ એના માટે આ બધા જવાબદાર છે. બાળકોને દેશદાઝનું ભાન કરાવવું જોઈએ જે એક દિવસનું કામ નથી. અત્યારે આઝાદીના ઉત્સવો રાજકીય રમત બની ગયા છે. આ રાજકીય નેતાઓ અત્યાર સુધી ક્યાં સૂતા હતા? તેમનો રાષ્ટ્રપ્રેમ અત્યાર સુધી ક્યાં છુપાયેલો હતો? જો સરકારે પહેલા દિવસથી બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં આઝાદીનાં, દેશભક્તિનાં, દેશપ્રેમનાં બીજ રોપ્યાં હોત તો આજે આ ઉત્સવની ઉજવણી કરવા માટે દિવસ શોધવાની કે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેની હાકલ કરવાની જરૂર જ ન પડી હોત. જોકે આપણામાં તો પાયામાં જ ખોટ છે એટલે આ બધા ઉત્સવો અને હર ઘર તિરંગા જેવાં ‌અભિયાનો જાહેર કરવાં પડે છે. આજે દરેક સ્કૂલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે કે ધ્વજવંદન માટે બાળકોને જો સ્કૂલના સંચાલકો તરફથી આદેશ આપવામાં ન આવે તો એક પણ બાળક સ્કૂલમાં સ્વૈચ્છિક રીતે દેશભક્તિથી આ દિવસે હાજરી આપે નહીં. આ વાત વિચારવા જેવી છે કે કોઈ સ્વૈચ્છિક રીતે ધ્વજવંદન કરવા આગળ આવતું નથી, સ્કૂલના ‌‍પ્રિન્સિપાલ કે શિક્ષકોના ડરથી હાજર થાય છે. અત્યારે હર ઘર તિરંગા પણ એવો જ આદેશ છે. એક રાજકીય પક્ષના નેતાએ કહ્યું અને આપણે ગાડરિયા પ્રવાહની જેમ આપણો રાષ્ટ્રપ્રેમ દર્શાવવા અત્યારે મેદાનમાં ઊતરી આવ્યા છીએ. પક્ષના નેતાને સારું લગાડવા કે વહાલા થવા રાષ્ટ્રપ્રેમ દર્શાવવા નીકળેલા કાર્યકરો તેમના સ્વબળે કે સ્વમને કેટલાં વર્ષ ધ્વજવંદન કરવા કે ધ્વજ લહેરાવવા આગળ આવ્યા છે એનું મનોમંથન કરવાની દરેકને જરૂર છે. જેમનામાં રાષ્ટ્રપ્રેમ ધગધગતો હોય તેઓ મફતના રાષ્ટ્રધ્વજની રાહ જોતા નથી. અત્યારે તો લોકો બળજબરથી, જબરદસ્તીથી પોતાના મુખિયાને સારું લગાડવા, પોતાના નામની નોંધણી કરાવવા ધ્વજ લહેરાવવા નીકળ્યા છે જે રાષ્ટ્રપ્રેમ નથી.’

સ્વતંત્રતાસેનાનીઓના પરિવારજનો માટે શું?

સાયનના ઉપેન્દ્ર દોશીએ આવો સવાલ ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે ‘આઝાદીની લડત માટે અનેક લોકોએ તેમની કુરબાની આપી, શહીદ થયા, જેલમાં ગયા. તેમના પરિવારજનોને અગાઉ કૉન્ગ્રેસના સમયમાં પેન્શન આપવામાં આવતું હતું. આ પેન્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વધારો કરવો જોઈએ. હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને સરકારી ધોરણે કે અન્ય રીતે જે રાષ્ટ્રધ્વજનું મફત વિતરણ કરવામાં આવ્યું છે એને બદલે દેશના કરોડો નાગરિકો પાસેથી એનો ચાર્જ વસૂલ કરીને એમાંથી ઊભી થયેલી રકમની સરકારે સ્વતંત્રતાની લડત માટે શહીદ થયેલી વ્યક્તિઓના પરિવારજનોને શોધી-શોધીને તેમને આ મહોત્સવ નિમિત્તે સહાય કરવાની જરૂર હતી. જે પેઢીએ આઝાદીની લડતમાં ભાગ લીધો નથી અને જેમનો જન્મ ૧૯૪૭ પછી થયો છે એ પેઢીને એટલું તો દેશ માટે સ્વમાન હોવું જોઈએ કે અમને અમારા દેશના ટૅક્સપેયરોના પૈસાથી મફતમાં ધ્વજ નથી જોઈતો, અમે અમારો રાષ્ટ્રપ્રેમ અમારા સ્વખર્ચે ધ્વજ ખરીદીને પ્રદર્શિત કરીશું. હર ઘર તિરંગા માટે ચાઇનાથી પણ ધ્વજ બનીને આવ્યા છે એનો પણ કોઈએ બહિષ્કાર કરવાની તસ્દી લીધી નથી. આમાં ક્યાં છે સ્વસ્ફુર્ત રાષ્ટ્રપ્રેમ.’ 

mumbai mumbai news independence day brihanmumbai municipal corporation Pravin Solanki bakulesh trivedi