કોરોનાના દર્દીઓને ઑક્સિજન મળી રહે તે માટે મલાડના યુવાને વેચી દીધી SUV

22 June, 2020 06:55 PM IST  |  Mumbai | Samiullah Khan

કોરોનાના દર્દીઓને ઑક્સિજન મળી રહે તે માટે મલાડના યુવાને વેચી દીધી SUV

શાનવાઝ શેખ અને અબ્બાસ રીઝવી

મલાડમાં રહેતા અને બિન સરકારી સંસ્થા (એનજીઓ) ચલાવતા યુવાને કોરોનાના દર્દીઓને ઑક્સિજન મળી રહે તે માટે પોતાની SUV ગાડી વેચી દીધી છે. આ યુવાનો હૉમ ક્વોરન્ટાઈન થયેલા જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડરની નિ:શુલ્ક સેવા આપે છે.

શાનવાઝ શેખ અને અબ્બાસ રીઝવી 'યુનિટી એન્ડ ડિગ્નીટી ફાઉન્ડેશન' નામનું એનજીઓ ચલાવે છે. લૉકડાઉન શરૂ થયું ત્યારે તેમણે હજારો પ્રવાસી મજુરોને રાશનની કીટ અને ફુડ પૅકેટ્સ આપ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ ન થઈ શકતા અને હૉમ ક્વોરન્ટાઈન થવા માટે જરૂરી સાધન સામગ્રી ખરીદી ન શકતા લોકોને મદદ કરવા આ યુવાનોએ જમ્બો અને નાના એમ કુલ 60 સિલિન્ડર ખરીદયાં છે.

શેખે કહ્યું હતું કે, સમયસર હૉસ્પિટલમાં બૅડ ન મળવાથી અબ્બાસની કઝીનનું મૃત્યુ થયું હતું. જે છ મહિનાની ગર્ભવતી હતી. ગત મહિને તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવારજનોએ ઘણી હૉસ્પિટલોનો સંપર્ક કર્યો પણ કંઈ મદદ ન મળી અને મુંબ્રામાં રીક્ષામાં જ તેનું મૃત્યુ થયું હતું. ત્યારે અમને સમજાયું કે સમયસર સારવાર મળવી કેટલી મહત્વની છે અને પછી અમે નક્કી કર્યું કે આ રીતે કોઈનું મૃત્યુ ન થવું જોઈએ. પ્રવાસી મજુરોની મદદ કરવામાં અમારી બધી બચત ખર્ચાઈ ગઈ હતી એટલે અમે બીજો રસ્તો શોધ્યો. લોકોની મદદ કરવા માટે મે મારી SUV કાર વેચી દીધી. જેના મને ફક્ત ચાર લાખ રૂપિયા જ મળ્યાં, જે બહુ ઓછા હતા. પણ ગમે તેમ કરીને અમે 60 ઓક્સિજન સિલિન્ડર ખરીદયા અને 40 ભાડા પર લીધા. અત્યાર સુધીમાં અમે 300 લોકોને સિલિન્ડરની સેવા આપી છે.

ઓક્સિજનના સિલિન્ડર માટે તેમને દરરોજ 25થી 30 રિકવેસ્ટ આવે છે

વધુમાં શેખે જણાવ્યું હતું કે, સિલિન્ડર જોઈએ છે એવી અમને દરરોજ 25થી 30 રિકવેસ્ટ આવે છે. જે લોકોને પોસાય તે લોકો જાતે જ રીફીલ કરીને આપે છે અને જે લોકોને ન પોસાય તેને અમે રીફીલ પણ કરી આપીએ છીએ. અમારો હેતુ ફક્ત સેવા આપવાનો છે. લોકોએ આપેલા આર્શિવાદમાંથી ભગવાન એક આર્શિવાદ પણ સ્વિકારે તો તે અમારા સફળ બનવા માટે પુરતું છે.

coronavirus covid19 lockdown mumbai mumbai news malad samiullah khan