કોસ્ટલ રોડ બનાવવા માટે આવી રહ્યું છે મેગા એન્જિન

13 January, 2020 03:49 PM IST  |  Mumbai Desk

કોસ્ટલ રોડ બનાવવા માટે આવી રહ્યું છે મેગા એન્જિન

સુપ્રીમ કોર્ટે ગયા મહિને કોસ્ટલ રોડના કાર્ય પર હાઈ કોર્ટે લગાવેલો સ્ટે હટાવી દીધો છે. સ્ટે હટતાં પાલિકાએ કોસ્ટલ રોડનાં કાર્યોને ગતિ આપવાનું શરૂ કરી દીધું છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં કોસ્ટલ રોડ બનાવવાની કલ્પના કરી હતી. કોસ્ટલ રોડ બનાવવા માટે જે રુકાવટ આવી રહી હતી એ તમામ દૂર થઈ જતાં હવે એનું કામ ઝડપથી શરૂ થશે. દક્ષિણ મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી કાંદિવલી સુધી બનનારો કોસ્ટલ રોડનો પહેલો તબક્કો ૯.૯૮ કિલોમીટરનો હશે. પહેલા તબક્કામાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી-સી લિન્ક સુધી કોસ્ટલ રોડ બનાવવામાં આવશે, જેમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર મરીન ડ્રાઇવથી પ્રિયદર્શિની પાર્ક સુધી સુરંગ બનાવવામાં આવશે. આ સુરંગના ખોદકામ માટે ચીનથી ચાઇના રેલવે કન્સ્ટ્રક્શન હેવી ઇન્ડસ્ટ્રી કંપનીનું મેગા એન્જિન આવી રહ્યું છે.

આ મેગા એન્જિન અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-ફોરના ખોદકામ કરનાર ટીબીએમના વ્યાસથી બમણો વ્યાસ ધરાવતું હશે. આવતા મે મહિનામાં કોસ્ટલનું આ મેગા મશીન મુંબઈ પહોંચી જશે. ૧૨૯૯ મીટર વ્યાસનું આ મશીન હશે જેના અલગ-અલગ પાર્ટ્સ કુલ ૪૮ કન્ટેનરમાં અહીં પહોંચશે. આ મશીનને ઍસેમ્બલ કરતાં દોઢ મહિનો લાગશે. જુલાઈ મહિનાના અંત સુધીમાં આ મશીન ખોદકામ કરવા માટે શરૂ કરી દેવામાં આવશે એવી શક્યતા છે.
વર્તમાનમાં મેટ્રો-થ્રી માટે ૭ મીટર વ્યાસના ટીબીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોસ્ટલ રોડના કામ માટે વપરાશમાં લેવામાં આવનારા આ મશીનની કામ કરવાની ક્ષમતા એટલી વધારે છે કે એ એકસાથે બે સુરંગ ખોદશે. બન્ને સુરંગની કુલ લંબાઈ ૬.૮ મીટર કિલોમીટર છે. ગિરગાંવમાં જમીનથી ૨૫ મીટર અને મલબાર હિલમાં જમીનથી ૭૫ મીટર નીચે સુરંગ બનાવવામાં આવશે. આ મશીન એક દિવસમાં ૩ મીટરનું ખોદકામ કરી શકશે. આ મશીનની કુલ લંબાઈ સાડાચાર માળ ઊંચા બિલ્ડિંગ જેટલી છે.

mumbai mumbai news