બર્થ-ડે મનાવવા માટે યુવકોએ પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી

14 September, 2019 02:53 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

બર્થ-ડે મનાવવા માટે યુવકોએ પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી

બે લાખ રૂપિયા સાથે પલાયન થયેલા આરોપીની ધરપકડ

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) થાણેના એક બિઝનેસમૅનના ભૂતપૂર્વ કાર-ડ્રાઇવરે પોતાના જન્મદિનની ઉજવણી કરવા માટે ૭ મિત્રો સાથે પિસ્તોલની અણીએ પોતાના જૂના માલિકના બે લાખ રૂપિયા લૂંટી લીધા હતા, જેમાં પોલીસે અત્યાર સુધી ૬ આરોપીની ધરપકડ કરીને પિસ્તોલ, કાર અને લૂંટની રકમ સહિત પાંચ લાખ રૂપિયાની મતા જપ્ત કરી છે. આ મામલામાં વધુ બે આરોપીને પોલીસ શોધી રહી છે.

પોલીસે જણાવ્યું કે ‘થાણેમાં બ્રહ્માંડ વિસ્તારમાં રહેતા ફરિયાદી થોમસ જ્યૉર્જ કુટ્ટીનો હૉસ્પિટલમાં નર્સ અને ડૉક્ટરો સપ્લાય કરવાનો વ્યવસાય છે. ૩ સપ્ટેમ્બરે તે પોતાના બે કર્મચારીઓ સાથે રાત્રે ૧૧ વાગ્યે પોતાની કારમાં ઑફિસથી ઘર તરફ જતો હતો ત્યારે અજાણ્યા આરોપીઓએ પીછો કરીને તેમની કારને અટકાવી હતી. આરોપીઓ બંદૂક દેખાડીને ફરિયાદી પાસેની બે લાખ રૂપિયા રાખેલી થેલી આંચકી લેવાની સાથે ફરિયાદીની મારપીટ કરીને પલાયન થઈ ગયા હતા. આ મામલે થોમસે ચિતલસર પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસે મામલાન‌ી ગંભીરતાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરીને ફરિયાદીના ૨૩ વર્ષના ભૂતપૂર્વ ડ્રાઇવર અને લૂંટના સૂત્રધાર અભિમન્યુ પાટીલ, ૨૧ વર્ષના તૌફિક દગડૂ શેખ, ૨૨ વર્ષના ગણેશ ઇંદુલકર, ૨૧ વર્ષના ઉત્કર્ષ વિનાયક ધુમાળ, ૨૨ વર્ષના ગુરુનાથ બાળુ ચવાણ અને ૨૨ વર્ષના રાહુલ ગુહેર ઉર્ફે ભાલની લૂંટ કરવાની સાથોસાથ ગેરકાયદે બંદૂક રાખવાના આરોપસર બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી, જ્યારે ગુનામાં સામેલ ચેતન કાંબળે અને રોશન તેલંગેને પોલીસ શોધી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના જિતેન્દ્ર રાઠોડના જણાવ્યા મુજબ લૂંટનો માસ્ટરમાઇન્ડ અભિમન્યુ પાટીલ હતો, જે છેલ્લાં પાંચ વર્ષથી થોમસ કુટ્ટીને ત્યાં કામ કરતો હતો. તેને કુટ્ટીને મહિનામાં ક્યારે હૉસ્પિટલમાંથી કમિશન મળે છે એની જાણ હતી એટલે તેણે પોતાના મિત્રો સાથે પોતાના ૨૪ સપ્ટેમ્બરે આવતા બર્થ-ડેની ધામધૂમથી ઉજવણી કરવા માટે લૂંટનું આયોજન કરીને અંજામ આપ્યો હતો.

પોલીસે અભિમન્યુ પાટીલની ધરપકડ કરીને તેની પાસેથી ગુનામાં વપરાયેલી ૩.૫ લાખ રૂપિયાની કાર અને ૫૦ હજાર કૅશ જપ્ત કર્યાં હતાં. બીજા આરોપી ગણેશ ઇંદુલકર પાસેથી ૨૫ હજારની પિસ્તોલ અને ૫૦ હજારની કૅશ સહિત કુલ પાંચ લાખ ૧૫ હજાર રૂપિયાની માલમતા જપ્ત કરી હતી.

mumbai Crime News