એસી લોકલનો પાસ કઢાવનારા પ્રવાસીઓએ બોરીવલીમાં ટ્રેન પકડવા પાડવો પડ્યો પરસેવો

08 November, 2022 02:25 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

સવારે ૭.૫૪ વાગ્યાની એસી લોકલ રદ થયા બાદ મુસાફરો ૮.૨૬ની એસી લોકલ પકડવા માટે સાડાસાતથી લાઇન લગાવે છે, પણ આજે કોઈ પણ અનાઉન્સમેન્ટ વગર એ પણ રદ થતાં યાત્રીઓ થયા હેરાનપરેશાન

ફાઇલ તસવીર

બોરીવલીની સવારે ૦૭.૫૪ની એસી લોકલ કૅન્સલ થયા પછી કેટલાય પ્રવાસીઓ એ પછીની ૦૮.૨૬ની એસી લોકલ પકડી રહ્યા છે. સાડાસાતથી પ્રવાસીઓ ૦૮.૨૬ની એસી લોકલ પકડવા પ્લૅટફૉર્મ નંબર બે પર લાઇન લગાવીને ઊભા હોય છે ત્યારે ૦૮.૨૬ની એસી લોકલની જગ્યાએ કેટલીય વખત ડાયરેક્ટ નૉન-એસી લોકલ ટ્રેન આવી જાય છે. આવું જ સોમવારે પણ બન્યું હતું.

પ્રવાસીઓ એસી લોકલની રાહ જોઈને એક કલાક સુધી લાઇન લગાવીને ઊભા રહ્યા હતા અને એસી લોકલ કૅન્સલ થઈ ગઈ હતી, જેની કોઈ અનાઉન્સમેન્ટ પણ નહોતી થઈ. આ બાબતે પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી અને નારાજગી દર્શાવી હતી.

બોરીવલીના રહેવાસી વીરેન્દ્ર શાહે આ બાબતે ફરિયાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી ૦૭.૫૪ની એસી લોકલ કૅન્સલ થઈ ગઈ છે ત્યારથી હું દરરોજ ૦૮.૨૬ની એસી લોકલ બોરીવલીથી પકડું છું. એસી લોકલ પકડવા લોકો સાડાસાત વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે, ત્યારે આ સોમવારે વગર કોઈ અનાઉન્સમેન્ટે એસીને બદલે નૉન-એસી લોકલ ૦૮.૨૬ વાગ્યે આવી હતી. આ પહેલી વખત નથી થયું, અગાઉ પણ ત્રણ વખત આવું થઈ ચૂક્યું છે. લોકો એસી લોકલમાં જવા માટે પાસ કાઢતા હોય છે ત્યારે આટલા પૈસા આપીને પણ પ્રવાસીઓને જો આટલી બધી હાલાકી ભોગવવી પડે તો શું ફાયદો એસી લોકલના પાસનો? આ બાબતે મેં રેલવેને ફરિયાદ પણ કરી હતી, કેમ કે વારંવાર વગર કોઈ અનાઉન્સમેન્ટે લોકલ કૅન્સલ કરી દેવાય અને પછી પ્રવાસીઓ ટ્રેન પકડવા ધક્કામુક્કી કરતાં ક્યારેક કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે. જો કોઈ અણબનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે?’

બોરીવલીના સ્ટેશનમાસ્ટર રજાક શેખે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ૦૮.૨૬ની એસી લોકલની રૅકમાં ખરાબીને કારણે સર્વિસ કૅન્સલ કરવી પડી હતી. સવારે ૭ વાગ્યાથી અનાઉન્સમેન્ટ કરવાની સિસ્ટમ ઑનલાઇન અને મૅન્યુઅલી બન્ને ફેલ થઈ ગઈ હતી જે નવ વાગ્યા પછી શરૂ થઈ હતી, એટલે અમે અનાઉન્સમેન્ટ નહોતા કરી શક્યા.’ 

mumbai mumbai news mumbai local train urvi shah-mestry