સોસાયટીઓએ ફરી રાખવી પડશે લોકોની અવરજવરની નોંધ

28 February, 2021 08:09 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

સોસાયટીઓએ ફરી રાખવી પડશે લોકોની અવરજવરની નોંધ

છેલ્લા ૧૫ દિવસમાં મુંબઈમાં અને ખાસ કરીને ઉત્તર મુંબઈ તેમ જ ચેમ્બુર અને મુલુંડ જેવા વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સુધરાઈએ એને કાબૂમાં લાવવા માટે ખાસ યોજના બનાવી છે. સુધરાઈનું ધ્યાન અત્યારે શહેરના ૮ વૉર્ડ ટી વૉર્ડ (મુલુંડ), એમ વૉર્ડ (ચેમ્બુર), એન વૉર્ડ (ઘાટકોપર), આર-સેન્ટ્રલ વૉર્ડ (બોરીવલી-ગોરાઈ), આર-સાઉથ વૉર્ડ (કાંદિવલી-ચારકોપ), પી-નૉર્થ વૉર્ડ (મલાડ-પૂર્વ અને પશ્ચિમ), કે-વેસ્ટ વૉર્ડ (અંધેરી-પશ્ચિમ અને વિલે પાર્લે-પશ્ચિમ) અને કે-ઈસ્ટ વૉર્ડ (વિલે પાર્લે-પૂર્વ અને અંધેરી-પૂર્વ તથા જોગેશ્વરી-પૂર્વ) પર કેન્દ્રિત છે, આ યોજના અંતર્ગત ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ગઈ કાલે આ તમામ વૉર્ડના વૉર્ડ-ઑફિસરોને ત્યાંનાં બિલ્ડિંગો પર ખાસ નજર રાખવાનો આદેશ આપ્યો હતો. આ બાબતે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવેથી હૉટસ્પૉટ બની રહેલા આ વૉર્ડની સોસાયટીઓને બહારથી આવતા લોકોનો રેકૉર્ડ રાખવાનું કહેવામાં આવશે. આ રેકૉર્ડ અમારા વૉર્ડના અધિકારીઓ તેમની પાસેથી લઈ જશે. આ િસવાય દરેક સોસાયટીએ સ્ટ્રિક્ટ્લી બહારથી આવનારા તમામ લોકો, જેમાં ખાસ કરીને કામવાળાઓનું સ્ક્રીનિંગ કરવાનું રહેશે. આના આધારે અમે વધુમાં વધુ કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરીને કોરોનાના વ્યાપને કાબૂમાં લાવવાની યોજના ઘડી છે. હાલમાં મુંબઈમાં ૯૮ ટકા નવા કેસ બિલ્ડિંગોમાંથી આવી રહ્યા છેે, જ્યારે બે ટકા કેસ જ સ્લમ વિસ્તારમાંથી છે.’

એ ઉપરાંત રોગચાળાના પ્રારંભિક મહિના દરમ્યાન વિવાદના કેન્દ્રમાં રહેલા ધારાવીમાં પણ શુક્રવારે ૨૪ કલાકમાં ૧૬નો આંકડો નોંધાતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ ૨૦૨૦ની ૨૩ ઑક્ટોબરે ૨૪ કલાકમાં ૧૮ કેસ નોંધાયા પછી ચાર મહિને ડબલ ડિજિટ કેસ નોંધાયા હોવાથી ફરી આરોગ્ય ખાતાના અધિકારીઓનું ધ્યાન ધારાવી તરફ દોરાયું હતું. ધારાવીમાં ઍક્ટિવ કેસનો આંકડો ૫૦ને પાર કરી ગયો છે.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation preeti khuman-thakur