રિક્ષાનાં ભાડાંમાં વધારાનો ફાયદો ટીએમટીને

31 October, 2012 07:56 AM IST  | 

રિક્ષાનાં ભાડાંમાં વધારાનો ફાયદો ટીએમટીને



૧૧ ઑક્ટોબરથી રિક્ષા અને ટૅક્સીનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો અને એ જ દિવસથી ટીએમટીની બસની દૈનિક આવકમાં સરેરાશ ૭૫,૦૦૦થી વધુ રૂપિયાનો વધારો થયો છે.

રિક્ષા અને ટૅક્સીના ભાડાવધારા પહેલાં એટલે કે ૯ ઑક્ટોબરે બસની મહેસૂલી આવક ૧૯,૬૫,૦૦૦ રૂપિયા હતી અને ૧૦ ઑક્ટોબરે આ આવક ૧૯,૪૮,૦૦૦ રૂપિયા હતી, પરંતુ ૧૧ ઑક્ટોબરે એટલે કે જે દિવસે રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં વધારવામાં આવ્યાં એ દિવસે બસની આવક વધીને ૧૯,૮૭,૦૦૦ રૂપિયા થઈ હતી. ૧૨ ઑક્ટોબરે તો બસની આવક વધીને ૨૦,૪૮,૧૦૬ રૂપિયા થઈ ગઈ હતી. જોકે ત્યાર બાદ વીક-એન્ડમાં એટલે કે ૧૩ અને ૧૪ ઑક્ટોબરે આવક ઘટીને ૧૯,૧૫,૮૬૦ રૂપિયા અને ૧૫,૩૪,૧૭૧ રૂપિયા રહી હતી. ત્યાર બાદના વર્કિંગ ડે એટલે કે ૧૫ ઑક્ટોબરે આ આવક ૨૦,૫૩,૫૦૦ રૂપિયા થઈ હતી. ત્યાર બાદના દિવસોમાં પણ ટીએમટીની આવક ૨૦ લાખ રૂપિયા કરતાં વધુ જ રહી હોવાનું ટીએમટીનાં સૂત્રો પાસેથી જાણવા મYયું હતું.

સામાન્ય પ્રવાસીએ હવે રિક્ષાના ભાડામાં થયેલા વધારા બાદ બસ પર પસંદગી ઉતારી હોવાનું આ ટ્રેન્ડ પરથી જોઈ શકાય છે. રોજ પોખરણ રોડથી થાણે રેલવે-સ્ટેશન સુધી રિક્ષામાં પ્રવાસ કરતી સ્મિતા ઘાડે પણ હવે બસ પર પસંદગી ઉતારી છે. પોતાના નિર્ણય વિશે તેણે કહ્યું હતું કે ‘સવારે ઑફિસમાં ટાઇમ પર પહોંચવા માટે રિક્ષા પકડવી પડતી હતી. જોકે પાછા ફરતી ટીએમટીની બસમાં જ પ્રવાસ કરીને હું પૈસાની બચત કરું છું.’