17 July, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
TMCની ગાર્બેજ ટ્રકમાં દારૂ પીતા કર્મચારી.
તાજેતરમાં જ મુલુંડમાં BESTની બસના એક ડ્રાઇવરે સેવપૂરી ખાવા માટે મુસાફરો ભરેલી બસને ૨૦ મિનિટ સુધી રસ્તા પર ઊભી રાખી હોવાની ઘટના સામે આવી હતી. ત્યાં હવે થાણેમાંથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના કર્મચારીઓની આવી જ એક મોટી બેદરકારી અને જોહુકમીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થાણેના કાપુરબાવડી વિસ્તારમાં ટ્રાફિક ઑફિસ નજીક રિતુ પાર્ક પાસે બુધવારે ધોળા દિવસે, બપોરે ૧ વાગ્યે TMCની ગાર્બેજ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ફરજ પર હોવા છતાં જાહેરમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા.
આ શરમજનક ઘટના એક સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઇલ કૅમેરામાં કેદ કરી લીધી હતી, તેમ છતાં નશામાં ધુત ડ્રાઇવરે શરમ અનુભવવાને બદલે દાદાગીરી શરૂ કરી દીધી હતી. ડ્રાઇવરે વિડિયો શૂટ કરી રહેલા નાગરિકને માત્ર ધમકાવ્યો જ નહીં, તેને ડરાવવાના ઇરાદાથી ગાર્બેજ ટ્રક તેના તરફ હંકારીને તેના પર ચડાવવાનો પણ ભયાનક પ્રયાસ કર્યો હતો.
આ ગંભીર બાબત સામે આવ્યા બાદ TMCના ઉચ્ચ અધિકારીઓ જાગ્યા છે અને તેમણે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે.