જૂનું ઘર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો?

15 September, 2012 08:05 AM IST  | 

જૂનું ઘર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો?



સ્ટ્રક્ચર : જૂનાં બિલ્ડિંગો અને કૉમ્પ્લેક્સોના બાંધકામની ગુણવત્તાની વિગતો ચેક કરવી જરૂરી છે. વર્ષો જતાં કુદરતી તkવો આવાં સ્ટ્રક્ચરો પર અસર કરે છે, એટલે એવાં બિલ્ડિંગની હાલત કેવી છે એ તપાસી લેવી જોઈએ. તમારો મિત્ર આર્કિટેક્ટ હોય તો તેને બિલ્ડિંગના ઇન્સ્પેક્શન માટે તમારી સાથે લઈ જાઓ. બિલ્ડિંગના સ્ટ્રક્ચરનું ક્યારેય રિનોવેશન થયું છે કે કેમ એ પણ જાણી લો તેમ જ બિલ્ડિંગમાં લીકેજ તથા સીપેજ જેવી સમસ્યાઓ વિશે સોસાયટીના મેમ્બરો કેટલા ગંભીર છે એની વિગતો પણ મેળવો.

પેપરવર્ક : જૂના કૉમ્પ્લેક્સમાં જ્યારે ફ્લૅટ ખરીદો ત્યારે સૌથી અગત્યની તપાસવા જેવી બાબત એનું પેપરવર્ક છે. સેક્રેટરી પાસેથી તમામ દસ્તાવેજો માગો અને વકીલ પાસે એ તપાસાવી લો. સોસાયટીના મેમ્બરો જો યોગ્ય દસ્તાવેજો રજૂ કરી ન શકે તો એને નજીવી બાબત ન ગણશો. તમારા ભાગે જરાસરખી પણ બેદરકારી ભવિષ્યમાં જ્યારે તમે પ્રૉપર્ટી વેચવા જશો ત્યારે મોટી મુશ્કેલી નોતરી શકે છે.

લોન મંજૂરી : ફ્લૅટ ખરીદવા માટે જો તમારે હોમ લોન લેવાની હોય તો બિલ્ડિંગ અને ફ્લૅટના દસ્તાવેજો યોગ્ય હોવા જોઈએ. પ્રૉપર્ટીના દસ્તવેજો બૅન્કના ઑફિસરને બતાવો અને તમારી લોન મંજૂર થશે કે નહીં એ જાણી લો. નવા ફ્લૅટ માટે જેટલી લોન મળે છે એના કરતાં જૂનાં બિલ્ડિંગો તથા ફ્લૅટો ખરીદવા ઓછી લોન મળે છે એટલે છેવટે તમને કેટલી લોન મળશે એનું સ્પષ્ટ ચિત્ર પણ જાણી લો.

મેઇન્ટેનન્સ : છેવટે દર મહિને તમારે મેઇન્ટેનન્સ કેટલું ભરવું પડશે એની તપાસ કરો. કોને ખબર તમે મહિને મેઇન્ટેનન્સ ઓછું આવશે એવી કલ્પના કરીને જૂના બિલ્ડિંગમાં ફ્લૅટ ખરીદો અને રહેવા ગયા પછી જ્યારે મેઇન્ટેનન્સનું પહેલું બિલ આવે ત્યારે તમને કદાચ આંચકો પણ લાગે. કૉમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ અને જિમ હોય તો ભૂલ્યા વિના મેઇન્ટેનન્સ કેટલું આવશે એ પૂછી લેજો.