૨૬/૧૧ની ચોથી વરસીએ પણ શહેરમાં સીસીટીવી કૅમેરાનો અભાવ

25 November, 2012 03:41 AM IST  | 

૨૬/૧૧ની ચોથી વરસીએ પણ શહેરમાં સીસીટીવી કૅમેરાનો અભાવ



મુંબઈ પર ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલા પછી એનાં કારણો તથા જો આવો હુમલો ફરી થાય તો રાજ્યની પોલીસની ક્ષમતા તપાસવા માટે જે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી તેણે આ મામલામાં અનેક ભલામણો કરી હતી, જેમાં એક સૌથી અગત્યની ભલામણ શહેરમાં સીસીટીવી કૅમેરાનું નેટવર્ક બેસાડવાની હતી. આ ભલામણને આધારે લાંબા સમયથી શહેરમાં સીસીટીવી કૅમેરાનું નેટવર્ક બેસાડવાની રાહ જોવાઈ રહી છે, પણ હજી એનો અંત નથી આવ્યો. શહેરમાં સીસીટીવીનું નેટવર્ક બેસાડવા માટેનો અંદાજિત ખર્ચ ૩૦૦થી વધીને ૮૬૪ કરોડ રૂપિયા થઈ ગયો છે.

મુંબઈ પર ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની આવતી કાલે ચોથી વરસી છે ત્યારે શહેરમાં સીસીટીવી કૅમેરાનું નેટવર્ક બેસાડવાની યોજના પર હજી પણ કામ શરૂ નથી થઈ શક્યું. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે આવું નેટવર્ક બેસાડવા માટે જે જાહેરાત કરી હતી એનો ૩૧ કંપનીઓએ પ્રત્યુત્તર આપ્યો છે.

રાજ્ય સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એનો ખર્ચ ૮૬૪ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. હાલમાં રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ આ પ્રસ્તાવનો જે ૩૧ કંપનીઓએ જવાબ આપ્યો છે એના સઘન અભ્યાસમાં વ્યસ્ત છે. આ કંપનીઓએ કુલ ૮૦૦ જેટલા સવાલો કર્યા છે જેમાંથી હવે માત્ર ૮૮ સવાલોના જવાબ આપવાના બાકી છે એવી માહિતી સરકારના ટોચના અધિકારીએ આપી છે.

આમ રાજ્ય સરકાર અત્યાર સુધી આ ૩૨ કંપનીઓ દ્વારા લીગલ, ટેક્નિકલ અને ફાઇનૅન્શિયલ પાસાંઓને લગતા જે સવાલો કરવામાં આવ્યા છે એમાંથી ૭૧૨ જેટલા સવાલોની સ્પષ્ટતા કરી શકી છે. આ વિશે વાત કરતાં એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આ બધા સવાલોની સ્પષ્ટતા કરવાનું કામ બહુ સમય માગી લે એટલું હતું. એક વખત આ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે પછી જે બિડરને આ કામમાં રસ હશે તેમને ટેન્ડરના દસ્તાવેજો આપવામાં આવશે અને તેમના દ્વારા જે દસ્તાવેજો જમા કરાવવામાં આવશે એની ઝીણવટથી તપાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં હજી એક-બે મહિના લાગી શકે છે. આ બિડર્સે સીસીટીવી કૅમેરાના પ્રોજેક્ટની ડિઝાઇન, સપ્લાય, કમિશન અને એને કાર્યાન્વિત કરવાની જવાબદારી લેવી પડશે.’

પહેલાંના શેડ્યુલ પ્રમાણે આ બિડ્સને ફાઇનલ કરવાની પ્રક્રિયા ૧૭ નવેમ્બરથી શરૂ કરવાની ધારણા હતી, પણ આ પાર્ટીઓએ ઉઠાવેલા ૮૦૦ જેટલા સવાલોની સ્પષ્ટતા કરવામાં સારો એવો સમય ચાલ્યો ગયો હતો અને આખી પ્રક્રિયા વિલંબમાં મુકાઈ ગઈ હતી. પહેલાં ૬૦૦૦ કરતાં વધારે સીસીટીવી કૅમેરા લગાવવાની પ્રક્રિયાના વિવાદને પગલે ચીફ સેક્રેટરી જે. કે. બાંઠિયાના વડપણ હેઠળ રચવામાં આવેલી હાઈ લેવલ કમિટીને પગલે ખોરંભે ચડી ગઈ હતી, કારણ કે આ કમિટીએ નવેસરથી બિડિંગ પ્રક્રિયા શરૂ કરવાની ભલામણ કરી હતી.

હાલમાં શું સ્થિતિ છે?

મુંબઈ પોલીસના મૉડર્નાઇઝેશન સેલે આપેલી માહિતી પ્રમાણે તેમણે હજી શહેરમાં ક્યાં-ક્યાં સીસીટીવી કૅમેરા બેસાડવાના છે એની યાદી તૈયાર નથી કરી. જોકે એક અંદાજ પ્રમાણે શહેરમાં પાંચ હજાર કરતાં વધુ સીસીટીવી કૅમેરા બેસાડવા પડશે.

મુંબઈ પોલીસના મૉડર્નાઇઝેશન સેલના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પગારેએ કહ્યું હતું કે ‘અમે હજી અમારો ડેટા અપડેટ નથી કર્યો.  દરેક પોલીસ-સ્ટેશન અને મહત્વની જગ્યાએ સીસીટીવી કૅમેરાનું સેટ-અપ બેસાડવું જરૂરી છે.’

ઇન્સ્પેક્ટર પગારેના સિનિયર એવા જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ઍડ્મિનિસ્ટ્રેશન) હેમંત નાગરાલેએ કહ્યું હતું કે ‘સરકાર પાસે મૉડર્નાઇઝેશન માટે શહેરમાં ૫૦૦૦ સીસીટીવી લગાવવાની દરખાસ્ત પેન્ડિંગ છે. એ વાત અલગ છે કે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ પાસે પોતાનું અલાયદું સીસીટીવીનું નેટવર્ક છે અને એ પણ સંપૂર્ણ રીતે કાર્યાન્વિત નથી. હાલમાં એના માત્ર ૧૦૦ સીસીટીવી કૅમેરા જ ચાલે છે. ૨૦૦૬માં જેટલા સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા હતા એમાંથી ૪૦ ટકા તો ચાલતા જ નથી. અમે નિયમિત મેઇન્ટેનન્સ કરીએ છીએ છતાં આવી હાલત છે, કારણ કે આ કૅમેરા માત્ર પાંચથી છ વર્ષ સુધી જ સારી રીતે ચાલી શકે છે.’