વિલે પાર્લેના કચ્છીનો સિક્કિમમાં થયેલા અકસ્માતમાં જીવ ગયો

03 May, 2019 09:49 AM IST  |  મુંબઈ | ખુશાલ નાગડા

વિલે પાર્લેના કચ્છીનો સિક્કિમમાં થયેલા અકસ્માતમાં જીવ ગયો

કાર અકસ્માત

વિલે પાર્લે-ઈસ્ટમાં માલવિયા રોડ પર લક્ષ્મી સ્મૃતિ અપાર્ટમેન્ટમાં રહેતા ૫૯ વર્ષના તિલકરાજ શંભુલાલ ગડા તેમનાં પત્ની નીતા ગડા સાથે ૨૮ એપ્રિલે મુંબઈથી વેકેશન માણવા વેસ્ટ બેન્ગાલ તરફ ગયા હતા. તેમની સાથે મુંબઈના કમલેશ શાહ અને તેમનાં પત્ની બોમી શાહ પણ ગયાં હતાં. તેઓ બધાં બાગડોગરાથી ૩૦મીએ ટૂરિઝમની ઝાયલો કારમાં સિક્કિમનાં ટૂરિસ્ટ સ્થળોએ જઈ રહ્યાં હતાં ત્યારે કિટામ ખાતે આવેલા ટર્નિંગ પૉઇન્ટ પર તેમની કાર ૨૦ ફુટ નીચે ખીણમાં ખાબકી હતી, જેમાં ડ્રાઇવર લલિત ચૈતરી સાથે બન્ને કપલને ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ડૉક્ટરે તિલકરાજ મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું અને ડ્રાઇવરની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. અન્ય લોકોને ફ્રૅક્ચર આવ્યાં છે તથા આંતરિક માર વાગ્યો છે.

તિલકરાજ ગડાના દીકરા ચિરાગભાઈએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારાં મમ્મી-પપ્પા આઠમી મેએ ટૂર પરથી મુંબઈ પાછાં ફરવાનાં હતાં. આ કેસની તપાસ કરતા સાઉથ સિક્કિમના જોરથાંગના પોલીસ-ઇન્સ્પેક્ટર મહેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ ઘટના જયારે બની ત્યારે ત્યાંના જ રહેવાસીઓનો પોલીસ-સ્ટેશનમાં ફોન આવ્યો કે કોઈકની કાર ખીણમાં ખાબકી છે એટલે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં ફસાયેલા પ્રવાસીઓને નામચી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં તિલકરાજને ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા. અમે તેમની બૉડી પરિવારને સોંપી હતી. તેમની સાથે ત્રણ જણ પણ મુંબઈ રવાના થઈ ગયા હતા. જોકે ડ્રાઇવરની હાલત નાજુક છે અને તે હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.

આ પણ વાંચો : મુંબઈ: દહિસરની સ્કૂલના કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

mumbai