ટિકટોક સ્ટાર દાનિશ અલ્ફાઝ પર પત્નીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, મુંબઈ પોલીસે નોંધ્યો કેસ

28 March, 2023 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દાનિશ અલ્ફાઝ વિરુદ્ધ અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેના પર બળાત્કાર, અનનેચરલ સેક્સ, દહેજ ઉત્પીડન અને છેતરપિંડી જેવા આરોપો છે

તસવીર સૌજન્ય: દાનિશ અલ્ફાઝનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશન (Mumbai Oshiwara Police Station)માં પ્રખ્યાત ટિકટોક સ્ટાર અને સિંગર દાનિશ અલ્ફાઝ (Danish Alfaaz) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેની પત્નીએ દાનિશ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે (Mumbai Police) ટિકટોક સ્ટાર વિરુદ્ધ આઈપીસીની કલમ 376 અને 498 હેઠળ કેસ નોંધ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

દાનિશ પર ગંભીર આરોપો

દાનિશ અલ્ફાઝ વિરુદ્ધ અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેના પર બળાત્કાર, અનનેચરલ સેક્સ, દહેજ ઉત્પીડન અને છેતરપિંડી જેવા આરોપો છે. આવી સ્થિતિમાં તેમની સામે IPC કલમ 376 (બળાત્કાર), 377 (અનનેચરલ સેક્સ), 498(a) (ગેરકાયદેસર શોષણ અને માગ), 406 (છેતરપિંડી) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ દાનિશ ફરાર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

દાનિશ અલ્ફાઝ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. દાનિશને પૂમન પાંડે અને શક્તિ કપૂરની ફિલ્મ ‘ધ જર્ની ઑફ કર્મા’થી ખ્યાતિ મળી હતી. તેમણે આ ફિલ્મ માટે એક ગીત ગાયું હતું. દાનિશ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હાલમાં જ તેણે તેનું એક મ્યુઝિક આલ્બમ રિલીઝ કર્યું હતું, જેમાં બોલિવૂડ એક્ટ્રેસ ડેઝી શાહ જોવા મળી હતી. તેણે ગાયક મીકા સિંહ સાથે પણ કામ કર્યું છે. સિંગર તેના અંગત જીવન વિશે ભાગ્યે જ વાત કરે છે.

સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર સાથે સંબંધ

એવું કહેવાય છે કે વર્ષ 2020માં દાનિશ અલ્ફાઝ અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર સના ઈસ્લામ ખાનને મળ્યો હતો. બંને મિત્રો બન્યાં અને પછી પ્રેમમાં પડ્યાં. તેમના સંબંધોની શરૂઆત ઘણી સારી રહી હતી. જોકે, થોડા મહિનાઓ પછી જ તેઓ અલગ થઈ ગયાં હતાં. કહેવાય છે કે બંનેનું બ્રેકઅપ ખૂબ જ ખરાબ રીતે થયું હતું.

આ પણ વાંચો: રહેવાસીઓની સ્વીકૃતિ વિના પણ જર્જરિત ઇમારતોને પાડી શકે છે બીએમસી

દાનિશ આલ્ફાઝે `ધ જર્ની ઑફ કર્મા`, `બરસાત`, `દાનિશ આલ્ફાઝ ઍન્ડ શ્રિયા જૈનઃ હાફ બોયફ્રેન્ડ` અને `બડી આસીલ સે` નામના ગીતોમાં કામ કર્યું છે. તેઓ તેમના કૉલેજના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેણે સુપર હન્ટ 7 અને વાટિકા પ્રતિભા ફેસ્ટ 2014 પણ જીત્યો હતો.

mumbai mumbai news mumbai police oshiwara