✕

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ : આરોપીઓ સામે MCOCA હેઠળ પણ નોંધાયો ગુનો

28 October, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા અનિલ પંડિત સહિતના આરોપીઓ સામે સકંજો, અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) દાખલ કર્યો છે. એક પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ ઑથોરિટી તરફથી ઔપચારિક મંજૂરી મેળવ્યા બાદ આ કાયદા હેઠળની કલમો કેસમાં ઉમેરવામાં આવી છે.

૧૮ ઑક્ટોબરે સાંજે જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની ઘટનાના બીજા દિવસે એટલે કે ૧૯ ઑક્ટોબરે જુહુ પોલીસ-સ્ટેશનમાં મૂળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૯(૧) (હત્યાનો પ્રયાસ), કલમ ૩(૫) (સમાન ઇરાદો) તેમ જ આર્મ્સ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ દાખલ કરવામાં આવી હતી.

ઔપચારિક મંજૂરી મળ્યા બાદ તમામ આરોપીઓ સામે MCOCAની કલમ ૩(૧)(ii), ૩(૨) અને ૩(૪)નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમો સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા બદલ કડક સજાની જોગવાઈ કરે છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ કરી લીધી છે. જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના સાગરીત અનિલ પંડિતને આ કેસમાં વૉન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

mumbai news mumbai tiger shroff mumbai police Crime News mumbai crime news