✕

ટાઇગર કૈસે ઝિંદા હૈ?

20 October, 2026 07:23 AM IST  |  Mumbai | Ritika Gondhalekar

એક શૂટર તેની સામે પૉઇન્ટ બ્લૅન્ક રેન્જ પર હતો એ જ વખતે તેની પિસ્ટલ લૉક થઈ ગઈ : ત્રણેય આરોપી ૧૫ કલાકમાં કોટા સ્ટેશન પર ટ્રેનમાંથી પકડાયા : અનિલ પંડિતની નવી ધમકી સલમાનને - માફી માગી લે, નહીંતર પીછો નહીં જ છોડીએ

ગઈ કાલે KEM હૉસ્પિટલમાં ઉમેશ ચૌહાણ. તસવીર: રિતિકા ગોંધળેકર

મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને ગોળી વાગશે: ટાઇગર શ્રોફના ચાહકની આપવીતી : ૬ વર્ષનો દીકરો છે અને પત્ની ૮ મહિનાની સગર્ભા છે, સારવાર પાછળ બચત ખર્ચાઈ જવાનો ડર ઃ ઘર ચલાવવા ડ્રાઇવર અને હાઉસહેલ્પ તરીકે બે-બે નોકરીઓ કરે છે

રવિવારે ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટનામાં ઘવાયેલા ૩૫ વર્ષના ઉમેશ ચૌહાણ માટે એક ઉત્સાહભરી ક્ષણ KEM હૉસ્પિટલના બિછાને પહોંચીને પૂરી થઈ હતી. ઉમેશ હાલ ગોળી વાગવાથી થયેલી ઈજામાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે તેની ૮ મહિનાની સગર્ભા પત્ની અને ૬ વર્ષનો પુત્ર પરિવારના એકમાત્ર કમાતા આધારસ્તંભની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

મૂળ ઉત્તર પ્રદેશનો વતની ઉમેશ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવર અને હાઉસહેલ્પ તરીકે એમ બે-બે નોકરીઓ કરે છે. તેની પત્ની આગામી અઠવાડિયાંઓમાં બીજા બાળકને જન્મ આપવાની હોવાથી પરિવારમાં નવા સભ્યના આગમનની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આ અકસ્માતે પરિવારને ચિંતામાં ધકેલી દીધો છે.
ટાઇગર શ્રોફની એક ઝલક મેળવવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉમેશ ટાઇગરની કાર નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું અને તેને ગોળી વાગી હતી. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઉમેશે કહ્યું હતું કે ‘હું વિલે પાર્લે-વેસ્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. હું ટાઇગર શ્રોફનો મોટો પ્રશંસક હોવાથી ત્યાં ઊભો રહી ગયો હતો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને આ રીતે ગોળી વાગી જશે.’

આ અણધારી આપત્તિ વિશે ચિંતા વ્યક્ત કરતાં ઉમેશે કહ્યું હતું કે ‘હું મારા પરિવારમાં કમાનારો એકમાત્ર સભ્ય છું. મને ખબર નથી કે હું ક્યારે ફરી કામ પર જઈ શકીશ. મને ડર છે કે મારી તમામ બચત, જે મેં મારી પત્નીની ડિલિવરી માટે રાખી હતી, એ હવે મારી સારવાર પાછળ ખર્ચાઈ જશે.’
 
૨૧ ઑક્ટોબરે બુલેટ કાઢવા માટે થશે સર્જરી
આ ઘટનામાં ઉમેશની છાતીના ભાગે ગોળી વાગી હતી અને તેને ઑટોમાં સાંજે ૭.૧૦ વાગ્યે જુહુની કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સ્પેશ્યલાઇઝ્ડ સારવાર માટે ૧૯ ઑક્ટોબરે મધરાતે તેને પરેલસ્થિત KEM હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઉમેશ ચૌહાણની તબિયત હાલ સ્થિર છે. ગોળી વાગવાથી તેના હૃદય કે ફેફસાંને કોઈ ગંભીર નુકસાન થયું નથી. ૨૧ ઑક્ટોબરે CVTS ઑપરેશન થિયેટરમાં સર્જરી કરીને ગોળી બહાર કાઢવાનું આયોજન છે.

 

mumbai news mumbai tiger shroff Crime News mumbai crime news mumbai police