માસ્ક પહેરવાનું કહેતાં પાલિકાના સ્ટાફ પર ત્રણ મહિલાનો હુમલો

04 December, 2020 12:19 PM IST  |  Mumbai | Mumbai correspondent

માસ્ક પહેરવાનું કહેતાં પાલિકાના સ્ટાફ પર ત્રણ મહિલાનો હુમલો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાની ૨૭ વર્ષની મહિલા કર્મચારીએ માસ્ક પહેરવાનું કહેતાં તેના પર અન્ય ત્રણ મહિલાઓએ હુમલો કર્યો હતો. પાલિકાની કર્મચારીને મારઝૂડ કરનાર ત્રણેય મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી. બુધવારે ભાંડુપ રેલવે-સ્ટેશન પાસે આરોપી મહિલાઓએ પાલિકાની કર્મચારી પર પેવર બ્લૉક્સ ફેંક્યા હતા.
પાલિકાની કર્મચારી તેની ટીમ સાથે બુધવારે ભાંડુપ રેલવે-સ્ટેશન પાસે માસ્ક નહીં પહેરનારા લોકોને રોકીને સૂચના આપવાની અને કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવાની ડ્યુટી કરતી હતી. એ વખતે મોતીબાઈવાડી પાસે લગભગ ૨૮ વર્ષની એક યુવતી માસ્ક પહેર્યા વગર નીકળી હતી. પાલિકાની કર્મચારીએ એ મહિલાને માસ્ક કે ફેસ-કવર પહેરવા જણાવ્યું હતું. એ યુવતીએ તરત ગાળાગાળ અને મારઝૂડ કરવા માંડી હતી. તેણે પેવર બ્લૉક ઉપાડીને પાલિકાની કર્મચારીના માથામાં માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. એ વખતે ૪૦થી ૫૦ વર્ષની અન્ય બે મહિલાઓ પણ પાલિકાની કર્મચારીને મારઝૂડ કરવામાં જોડાઈ હતી.
મહાનગરપાલિકાની કર્મચારીને ઈજા થતાં તેના સાથીકર્મચારીઓ તેને સારવાર માટે મુલુંડની જનરલ હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર પછી તેમણે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ત્રણેય હુમલાખોર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai mumbai news mumbai crime news