મુંબઈ: સયાજીનગરી અચાનક ચાલુ થતાં ત્રણ પ્રવાસીને ઈજા

12 October, 2020 06:30 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: સયાજીનગરી અચાનક ચાલુ થતાં ત્રણ પ્રવાસીને ઈજા

ઈજા પામેલાં કીર્તિ વીરા અને બહેન વર્ષા શાહ.

દાદરથી કચ્છ-ભુજ તરફ જઈ રહેલી સયાજીનગરી એક્સપ્રેસ (૦૯૧૧૫) બોરીવલી સ્ટેશન પર ગઈ કાલે બપોરે ૩.૩૪ વાગ્યે પહોંચી હતી ત્યાંથી એક જ મિનિટમાં ટ્રેન ઊપડી જતાં કચ્છ જવા નીકળેલા બોરીવલીના ૪૫ વર્ષના કીર્તિ ગાંગજી વીરા, બાવન વર્ષનાં વર્ષા જગદીશ શાહ અને ૧૮ વર્ષની પલક કીર્તિ વીરા અચાનક ટ્રેન શરૂ થઈ જતાં ધક્કો લાગતાં પ્લૅટફૉર્મ પર અને ટ્રેનની અંદર પડી ગયાં હતાં. આ ત્રણેય પ્રવાસીઓને મૂઢ માર વાગ્યો હતો જેમને રેલવેના અધિકારીઓને ફરિયાદ કર્યા પછી વાપીમાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

કચ્છ જન જાગૃતિ અભિયાનના પ્રતિનિધિ માટુંગાના કિશોર મણિલાલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં અચાનક ટ્રેન શરૂ થતાં કીર્તિ વીરા પ્લૅટફૉર્મ પર તેમના સામાન સાથે પડી ગયાં હતાં તેમ જ તેમની બહેન વર્ષા અને દીકરી પલક ટ્રેનની અંદર પડી જતાં ત્રણેયને મૂઢ માર લાગ્યો હતો. આ અકસ્માતની અન્ય પૅસેન્જરોને જાણ થતાં તેમણે ચેઇન ખેંચીને ટ્રેનને રોકાવી દીધી હતી. પૅસેન્જરોના સાથથી કીર્તિ વીરાને સામાન સાથે ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. અમને આ બનાવની જાણ થતાં તરત જ અમે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓને આ સંબંધમાં ફરિયાદ કરી હતી જેના પર તરત જ ઍક્શન લેવામાં આવી હતી અને આખા બનાવમાં ટિકિટચેકરે પણ રેલવેની ભૂલને સ્વીકારીને સંપૂર્ણ સાથસહકાર આપ્યો હતો.’

ટ્રેન બોરીવલીથી રવાના થયા બાદ વાપી પહોંચી હતી ત્યારે અંધેરીમાં રહેતા કુણાલ સંગોઈએ ટ્રેનમાં ટિકિટચેકરની કમ્પ્લેઇન્ટ બુકમાં ફરિયાદ નોંધાવી હતી. ઈજા પામેલા ત્રણેય પ્રવાસીને વાપી સ્ટેશને પ્રાથમિક સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news western railway indian railways train accident mumbai trains