22 December, 2023 07:30 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ એલટી માર્ગ વિસ્તારમાં આશરે ત્રણ મહિના પહેલાં ૫૮ વર્ષની એક વ્યક્તિએ કીટકનાશક દવા પીને આત્મહત્યા કરી હતી, જે બાદ પ્રાથમિક માહિતી પ્રમાણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ઘરનું પંચનામું કરતાં પોલીસના હાથે એક ચિઠ્ઠી લાગી હતી જેમાં મરનાર વ્યક્તિએ તેની આત્મહત્યા માટે જવાબદાર તેનો સગો ભાઈ, બહેન અને તેના બનેવી હોવાનું લખી પ્રૉપર્ટી માટે તેને પરેશાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ ત્રણે સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટેની કમલો હેઠળ ફરિયાદ નોંધી છે.
મુંબઈ ઠાકુરદ્વાર જેએસએસ રોડ પર શુભ સદન બિલ્ડિંગમાં રૂમ નંબર ૧૫મા રહેતા ૫૮ વર્ષના વિલાસ નારાયણ શાસ્ત્રી ૨૬ સપ્ટેમ્બરે સવારે જે ઘરમાં રહેતા હતા એમાં બેશુદ્ધ પડ્યા હોવાનો કૉલ મુંબઈ પોલીસ મુખ્ય કન્ટ્રોલ રૂમમાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં એક ઇસમ બેભાન અવસ્થામાં પડેલો હતો. નજીકના ડૉક્ટરને તેને તપાસવા બોલાવતાં તેણે સરકારી દવાખાને લઈ જવાનું કહ્યું હતું. ત્યાં લઈ જતાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરતાં ત્યાંથી કીટકનાશક દવા મળતાં તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અને એના જ આધારે પોલીસે પ્રાથમિક તપાસમાં એડીઆર નોંધ્યો હતો. જોકે વધુ તપાસ હાથ ધરવા માટે ફરી વાર ઘરની તપાસ કરવામાં આવી ત્યારે દરવાજાના ખૂણામાં એક બૉક્સ લટકાવેલું હતું. બૉક્સમાંથી એક પત્ર મળી આવ્યો હતો. એ પત્રમાં લખવામાં આવ્યું હતું કે મરનારનો મોટો ભાઈ પ્રકાશ નારાયણ શાસ્ત્રી, મોટી બહેન ગીતા વિનાયક માર્કંડે અને તેના પતિ વિનાયક માર્કંડે વચ્ચે મિલકતનો વિવાદ ચાલતો હતો અને એમાં હતાશાના કારણે તેણે જંતુનાશક દવા પીને આપઘાત કર્યો હતો. અંતે પોલીસે બુધવારે આ ત્રણે સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એલટી માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં આત્મહત્યા આશરે ત્રણ મહિના પહેલાં થઈ હતી, જેમાં અમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપીએ લખેલી સુસાઇડ નોટ મળી આવતાં અમે ત્રણે સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’