આ ત્રણ ડૉક્ટરો મથી રહ્યા છે બાળ ઠાકરેને જિવાડવા

17 November, 2012 04:43 AM IST  | 

આ ત્રણ ડૉક્ટરો મથી રહ્યા છે બાળ ઠાકરેને જિવાડવા




નવીન નાયર

મુંબઈ, તા. ૧૭

શિવસેનાના ટેકદારો તેમના ફેવરિટ નેતા તેમ જ શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે ‘મિડ-ડે’એ તેમની તબિયત પર સતત નજર રાખી રહેલા ડૉક્ટરો વિશે ખાસ માહિતી મેળવી છે.

બાળ ઠાકરેની તબિયત પર જે ટીમ ધ્યાન રાખી રહી છે એમાં ડૉ. જલીલ પારકર, ડૉ. પ્રકાશ જિયાનદાની તેમ જ ડૉ. અબ્દુલ સમદ અન્સારીનો સમાવેશ છે. આ ત્રણ સ્પેશ્યલિસ્ટો સિવાય જો જરૂર પડે તો કટોકટીની પરિસ્થિતિ માટે સ્પેશ્યલિસ્ટોની બીજી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. એમાં લીલાવતી હૉસ્પિટલના ડૉ. અજિત મેનન (કાર્ડિયોલૉજિસ્ટ), ડૉ. સતીશ કુલકર્ણી (ઍનેસ્થેસ્ટિક), ડૉ. હેમંત પાઠક (યુરોલૉજિસ્ટ) અને ડૉ. ચેતન ઑબેરૉય (ડર્મેટોલૉજિસ્ટ)નો સમાવેશ થાય છે.

આ સિવાય છેલ્લાં પાંચ વર્ષથી બીમાર બાળ ઠાકરેની દેખભાળ કરી રહેલા ત્રણ વિશ્વાસુ પુરુષનર્સ પણ ડૉક્ટરોની ટીમના અસિસ્ટન્ટની જવાબદારી નિભાવી રહ્યા છે. આ ટીમમાં ડૉ. પારકર પર બાળ ઠાકરેનાં ફેફસાંને લગતી સ્વાસ્થ્યની સમસ્યા પર નજર રાખવાની અને ડૉ. જિયાનદાની તથા ડૉ. અન્સારી પર ક્રિટિકલ કૅરનો ખ્યાલ રાખવાની જવાબદારી છે. બાળ ઠાકરેની સારવાર માટે બાંદરા (ઈસ્ટ)માં આવેલા તેમના માતોશ્રી બંગલાના બીજા માળને આઇસીયુમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેમાં કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં કોઈ પણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લાઇફ સેવિંગ મશીન્સ અને મૉનિટર્સની વ્યવસ્થા તેમ જ જરૂરી તમામ દવાઓ તાત્કાલિક મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ડૉક્ટરોની ટીમ દિવસમાં એક વખત તેમની દૈનિક ક્રિયાઓ માટે માતોશ્રી છોડે છે અને શક્ય એટલા જલ્ાદી પાછા આવી જાય છે.

હાલમાં બાળ ઠાકરેની તબિયતના મામલે ભારે ટેન્શન પ્રવર્તે છે જેને કારણે તેમની તબિયતના હાલચાલ પૂછવા સતત સેલિબ્રિટીઓ આવી રહી છે અને બંગલાની બહાર સામાન્ય માણસોનું ટોળું જામે છે. જોકે આ સંજોગોમાં પણ બાળ ઠાકરેના દૈનિક નિત્યક્રમમાં કોઈ ફેરફાર નથી પડ્યો. આ સેલિબ્રિટીઓને પણ બાળ ઠાકરેને મળવાની પરવાનગી નથી અને તેમને માત્ર પરિવારજનોને મળીને પાછા ફરવું પડે છે.

આ તમામ ડૉક્ટરો ટીમવર્કમાં કામ કરે છે જેને કારણે તેઓ અનેક વાર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બાળ ઠાકરને બચાવી શક્યા છે. આ ડૉક્ટરો મોટા ભાગનો સમય માતોશ્રીમાં જ હોય છે અને તેમની ખાવાપીવાની તમામ વ્યવસ્થાનો ત્યાં જ ખ્યાલ રાખવામાં આવે છે.

આ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં એક ડૉક્ટરના પારિવારિક મિત્રે કહ્યું હતું કે ‘ડૉક્ટર તરીકે તેમની જવાબદારી પહેલાં દરદીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની છે, પર્સનલ લાઇફ તો પછી આવે છે. ડૉક્ટરોના પરિવારને સ્થિતિની ગંભીરતાની ખબર છે અને તેઓ આ કારણે ડૉક્ટરોને પૂરતો સપોર્ટ આપી રહ્યા છે. આ ડૉક્ટરોના પરિવારોને તેમની ખોટ સાલે છે અને તેમને એ વાતની ફરિયાદ પણ છે કે ડૉક્ટરો બહુ ઓછો સમય ઘરે આવે છે. જોકે હવે પરિવારજનો પણ આ દૈનિક રૂટીનથી ટેવાઈ ગયા છે.’

બાળ ઠાકરેની સારવાર કરી રહેલા ત્રણ ડૉક્ટરો

ડૉ. જલીલ પારકર -  ફિઝિશ્યન

૨૦૦૯થી ડૉ. જલીલ પારકર ઠાકરે પરિવાર સાથે સંકળાયેલા છે. તેમણે પોતાનો અભ્યાસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી પૂરો કર્યો અને પછી ફેલોશિપ માટે અમેરિકા ગયા હતા. ૨૦૦૦થી તેઓ લીલાવતી હૉસ્પિટલ સાથે સંકળાયેલા છે.

ડૉ અબ્દુલ અન્સારી ઇન્ટેન્સિવિસ્ટ


ભોપાલથી ઍનેસ્થેસિયામાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યા પછી ડૉ. અબ્દુલ અન્સારી લીલાવતી હૉસ્પિટલમાં જોડાયા હતા. ત્યાર બાદ ક્રિટિકલ કૅરમાં પણ તેમણે પોતાનું પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું. આઠેક વર્ષથી તેઓ લીલાવતી હૉસ્પિટલ સાથે સંકળાયેલા છે અને ૨૦૦૯થી ઠાકરે પરિવાર સાથે જોડાયા છે.

ડૉ. પ્રકાશ જિયાનદાની - ક્રિટિકલ કૅર સ્પેશ્યલિસ્ટ


પોતાનો અન્ડર-ગ્રૅજ્યુએશન તથા પોસ્ટ-ગ્રૅજ્યુએશનનો અભ્યાસ ડૉ. પ્રકાશ જિયાનદાનીએ સાયનમાં આવેલી લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ જનરલ હૉસ્પિટલમાંથી કર્યો હતો. ૧૯૯૦માં એમડી કર્યું હતું. તેઓ લીલાવતી હૉસ્પિટલ સાથે સંકળાયેલા છે. ૨૦૦૯થી તેઓ ઠાકરે પરિવાર સાથે સંકળાયેલા છે.


આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ