સિન્થેટિક હેર પૅકેટમાં છુપાવેલો 3 કરોડ રૂપિયાનો હેરોઇનનો જથ્થો પકડાયો

05 December, 2020 11:04 AM IST  |  Mumbai | Vishal Singh

સિન્થેટિક હેર પૅકેટમાં છુપાવેલો 3 કરોડ રૂપિયાનો હેરોઇનનો જથ્થો પકડાયો

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ ગઈ કાલે સિન્થેટિક હેર પૅકેટ્સમાં છુપાવાયેલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. ટાન્ઝાનિયાના દારેસલામ શહેરથી નવી મુંબઈના સરનામે મોકલવામાં આવેલાં કુરિયર પાર્સલ્સની ઝડતી લેતાં મળેલા એક કિલો જેટલા જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ ત્રણ કરોડ રૂપિયા જેટલી હોવાનું ડીઆરઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું.
ડીઆરઆઇના અધિકારીઓએ આધારભૂત માહિતીના આધારે બુધવારે મુંબઈ પહોંચેલા સિન્થેટિક હેરનાં પાર્સલની ઝડતી લેતાં એમાં છુપાવાયેલો ૧૦૦૭ ગ્રામ હેરોઇનનો જથ્થો મળ્યો હતો. ડીઆરઆઇના મુંબઈ યુનિટના અધિકારીઓએ છેલ્લા ૧૦ દિવસમાં આવા ડ્રગ્સનો ૨૪ કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હોવાનું જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે નાર્કૉટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (એનડીપીએસ) ઍક્ટ હેઠળ જપ્ત કરેલા પાર્સલ પર લખેલા સરનામાની ચકાસણી શરૂ
કરી છે, કારણ કે ઘણી વખત આવાં પાર્સલ્સ ખોટા નામે મોકલાય છે. એ સરનામાં કોડવર્ડ જેવાં હોય છે.
ડ્રગ્સની હેરાફેરી-દાણચોરી કરનાર ટોળીઓની કાર્યપદ્ધતિ પણ બદલાઈ છે. અગાઉ તેઓ આફ્રિકા અને સાઉથ આફ્રિકાના લોકો દ્વારા તેમનાં સ્મગલિંગ ઑપરેશન્સ પાર પાડતા હતા. હવે તેઓ માલાવી અને રિપબ્લિક ઑફ ગિનીના રહેવાસીઓનો ઉપયોગ કરે છે અને સિફતપૂર્વક કુરિયર સર્વિસ પણ વાપરે છે.

mumbai mumbai news vishal singh