ત્રણ મહિનામાં હથોડાથી મર્ડર કરવાના ત્રણ બનાવમાં સિરિયલ કિલરનો હાથ?

01 December, 2012 08:08 AM IST  | 

ત્રણ મહિનામાં હથોડાથી મર્ડર કરવાના ત્રણ બનાવમાં સિરિયલ કિલરનો હાથ?




દહિસર, કલ્યાણ તથા મુંબ્રામાં તાજેતરમાં ત્રણ ઘંટીવાળાઓની હત્યા એક જ પદ્ધતિથી કરવામાં આવી હોવાથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસને શંકા છે કે આમાં કોઈ સિરિયલ કિલરનો હાથ તો નથીને?

માથામાં હથોડો મારીને હત્યા કરનાર કોઈ એક જ વ્યક્તિ હશે કે પછી અલગ-અલગ વ્યક્તિ હશે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ત્રણ મહિનામાં ત્રણ-ત્રણ ઘંટીવાળાઓની હત્યા થઈ હોવા છતાં પોલીસને હજી સુધી હત્યારાના કોઈ ખાસ પુરાવા નથી મળ્યા. નવાઈની વાત તો એ છે કે આ હથોડાકિલર પોતાનો હથોડો નથી વાપરતો, પણ ઘંટીવાળાના હથોડા વડે જ માથામાં ફટકો મારી તેમની હત્યા કરે છે. આ હથોડાકિલર ઘંટીવાળાને હથોડો એટલો જોરથી મારે છે કે માથાના હાડકાના ૧૫થી ૨૦ ટુકડા થઈ જાય છે એ પોસ્ટમૉર્ટમના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. વળી ઘંટીવાળાની જે દિવસે રજા હોય એના આગલા દિવસે જ હથોડાકિલર તેની હત્યા કરી નાખે છે.

પોલીસ અંધારામાં

દહિસરનો બનાવ બન્યો એ પહેલાં પોલીસ અગાઉની બે હત્યા વચ્ચે કોઈ સામ્યતા શોધી નહોતી શકી, પરંતુ દહિસરનો બનાવ બનતાં જ પોલીસને આ કોઈ એક જ વ્યક્તિનું કામ હોય એવી શંકા ગઈ હતી. એથી કલ્યાણ અને મુંબ્રા પોલીસે દહિસર સાથે સંપર્ક કરીને વધુ વિગતો એકઠી કરી હતી અને પરિણામે ઘંટીવાળાઓની હત્યા કરનાર કોઈ એક વ્યક્તિ કે ગૅન્ગ હોવી જોઈએ એ દિશામાં તપાસ હાથ ધરી છે. દહિસરમાં જે ઘંટીવાળાની હત્યા થઈ હતી તે ઘંટીવાળો મોબાઇલ ફોનનો ઉપયોગ નહોતો કરતો એથી તેણે છેલ્લી વાર કોની સાથે વાત કરી હતી એના કોઈ પુરાવા નથી મળ્યા.

મુંબ્રા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરુણ સોંડેએ કહ્યું હતું કે ‘તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે આ ત્રણ કેસમાં હથોડાકિલરની કાર્યપદ્ધતિ એકસરખી જ છે અને ત્રણેત્રણ પોલીસ-સ્ટેશનની ટીમ એકસાથે મળીને તપાસ કરી રહી છે. બીજા શહેરમાં પણ ટીમ મોકલાવી છે.’

કાર્યપદ્ધતિ

ત્રણેત્રણ પોલીસ-સ્ટેશનનાં પોલીસસૂત્રોએ કહ્યું હતું કે ‘કાર્યપદ્ધતિમાં સૌપ્રથમ હથોડાકિલર ઘંટીવાળા સાથે ફ્રેન્ડશિપ કરે છે અને ત્યાર બાદ મોડી રાતે તેમની સાથે દારૂ પીવા  ફ્લોરમિલમાં જ જાય છે. તમામ હત્યામાં તે હથોડાનો ઉપયોગ કરે છે અને ઘંટી બંધ થવાના એક દિવસ પહેલાં જ તેમની હત્યા કરે છે એથી બીજા દિવસે દુકાન બંધ હોવાથી હથોડાકિલરને ભાગવાનો મોકો મળી જાય છે. દારૂ પીધા બાદ તે ઘંટીવાળાના માથા પર દુકાનમાંનો જ હથોડો મારીને તેમની હત્યા કરે છે. દુકાનની બહાર લોહી ન પ્રસરી જાય એ માટે હથોડાકિલર હત્યા કર્યા બાદ લાશની ફરતે લોટ વેરી દે છે અને ત્યાર બાદ ઘંટીવાળાએ આખા અઠવાડિયા દરમ્યાન ભેગા કરેલા રૂપિયા અને મોબાઇલ ફોન લઈને ચાલ્યો જાય છે.’

ત્રણ ઘટનાઓ

પહેલી ઘટના : ૨૭ સપ્ટેમ્બરે કલ્યાણના કાલાચૌકી વિસ્તારમાં આવેલી ફ્લોરમિલના ૩૮ વર્ષના સંચાલક રાજકુમાર જયસ્વાલની હથોડાકિલરે માથામાં હથોડી મારીને હત્યા કરી હતી અને રોકડ રૂપિયા તથા તેનો મોબાઇલ ફોન લઈને નાસી ગયો હતો.

બીજી ઘટના : ૪ ઑક્ટોબરે મોડી રાત્રે દીવા સ્ટેશન પાસે આવેલી પ્રતીક ફ્લોરમિલના ૩૦ વર્ષના સંચાલક દેવીલાલ રામલખન જયસ્વાલને હથોડાકિલર માથામાં હથોડો મારીને રોકડા રૂપિયા અને મોબાઇલ લઈને નાસી ગયો હતો.

ત્રીજી ઘટના : ૨૩ નવેમ્બરે શુક્રવારે મોડી રાતે દહિસરના આનંદનગરમાં આવેલી શ્રીકૃષ્ણ ફ્લોરમિલના ૫૦ વર્ષના સંચાલક ફૂલચંદ યાદવની મોડી રાતે હથોડાકિલરે માથામાં હથોડો મારીને હત્યા કરી હતી.