બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ બચાવવા શિવસેનાનું શિવાજી પાર્ક પર શક્તિપ્રદર્શન

09 December, 2012 07:43 AM IST  | 

બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ બચાવવા શિવસેનાનું શિવાજી પાર્ક પર શક્તિપ્રદર્શન




શિવાજી પાર્ક પર શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બાદ એ જગ્યા હવે શિવસૈનિકો માટે પવિત્ર બની ગઈ છે અને ત્યાં પ્લૅટફૉર્મ પર બનાવવામાં આવેલી સમાધિને પગે લાગવા રોજ શિવસૈનિકો આવી રહ્યા છે. આ સમાધિ સરકાર તોડી પાડવાની છે એવી વાત ફેલાતાં થાણેથી હજારોની સંખ્યામાં શિવસૈનિકો ગઈ કાલે સવારે શિવાજી પાર્ક પહોંચી ગયા હતા અને ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જોકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહીં એ માટે શુક્રવાર રાતથી જ શિવાજી પાર્ક વિસ્તારમાં રાયટ કન્ટ્રોલ પોલીસ અને મુંબઈપોલીસ તહેનાત કરી દેવામાં આવી હતી. 

૧૦,૦૦૦ કરતાં વધુ શિવસૈનિકો દાદર પર ગઈ કાલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં પહોંચી ગયા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. ત્યાં તેમણે બાળ ઠાકરેનાં કટઆઉટ્સ મૂક્યાં હતાં અને એના પર સ્લોગન પણ લખવામાં આવ્યાં હતાં. એમાં જણાવવામાં ïઆવ્યું હતું કે તેઓ કોઈ પણ ભોગે એ સ્ટ્રક્ચર હટાવવા નહીં દે અને જો સરકાર આ સમાધિ હટાવવાનો પ્રયાસ કરશે તો શિવસૈનિકો એનો વિરોધ કરશે જેને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે. શુક્રવારે શિવસેનાના મનોહર જોશી, સંજય રાઉત અને વિધાનસભ્ય એકનાથ શિંદેએ શિવાજી પાર્કની મુલાકત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સંજય રાઉતે આ વિશે કહ્યું હતું કે ‘અમે ફરી એક વખત ક્લિયર કરવા માગીએ છીએ કે જે જગ્યાએ બાળાસાહેબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ જગ્યા શિવસૈનિકો, હિન્દુઓ અને મુંબઈગરાઓ માટે પવિત્ર સ્થાન છે એટલે સરકાર એને ખસેડીને તેમની લાગણી ન દુભાવે. આ માત્ર સમાધિ નથી, શક્તિસ્થળ છે જેનાથી અમને સતત પ્રેરણા મળતી રહેશે. અમે સરકારને આ શક્તિસ્થળ હટાવવા નહીં દઈએ, પછી ભલે કંઈપણ થાય.’

કોલાબાના એક શિવસૈનિકે આ હિલચાલ વિશે કહ્યું હતું કે ‘અહીં ૨૪ કલાક ૧૦૦થી ૨૦૦ શિવસૈનિકો પહેરો દઈ રહ્યા છે. સરકાર આ સમાધિ હટાવવા માગે છે એવી વાતો જ્યારથી વહેતી થઈ છે ત્યારથી આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મને ખબર છે કે સરકાર આ સમાધિ હટાવવાનું સાહસ નહીં કરે. એમ છતાં જો એ એવું પગલું ભરશે તો પરિસ્થિતિ બગડશે. અમે કાયદાને માન આપીએ છીએ, પણ જો સરકાર સમાધિ હટાવવા પોલીસનો ઉપયોગ કરશે તો અમે એનો વિરોધ કરીશું.’