આ વર્ષે આફૂસનું ઉત્પાદન માત્ર વીસ ટકા

25 March, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માવઠાના મારને લીધે કોકણની આફૂસને ભારે ફટકો, ખેડૂતો સાથે વેપારીઓ અને મજૂરોની હાલત કફોડી

પ્રતીકાત્મક તસવીર

કોકણની આફૂસ પાકવાની રાહ મહારાષ્ટ્રમાં જ નહીં, વિશ્વના ખૂણે-ખૂણે જોવાતી હોય છે ત્યારે આ વર્ષે કોકણની આફૂસને તૈયાર થતાં પહેલાં જ માવઠાનો માર પડ્યો છે. એને લીધે આફૂસનું ઉત્પાદન ઘટીને માત્ર ૨૦ ટકા જ થાય એવી સંભાવના કૃષિનિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રનાં મોટા ભાગનાં રાજ્યોમાં કમોસમી વરસાદ અને કરા પડતાં ઘણોખરો ઊભો પાક નાશ પામ્યો હતો. એમાં આફૂસના પાકને પણ ભારે નુકસાન થયું છે. પાક બગડતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે તો વેપારીઓની સીઝન પણ બગડવાની ચિંતા છે.

કોકણના રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં મોટા પાયે આફૂસ કેરીની ખેતી કરવામાં આવે છે જેમાં વાર્ષિક ૨૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. આ વર્ષે ઉપજમાં ઘટાડો થવાને કારણે ટ્રાન્સપોર્ટ, પૅકેજિંગ, ઘાસ, ક્રેટ માટે લાકડું, મજૂર અને વાહનો સહિત દરેક ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે. ઉપરાંત કેરીના પાક માટે નેપાલથી આવતા મજૂરો અને સ્થાનિક મજૂરોને પણ આર્થિક નુકસાન વેઠવું પડશે.

માર્કેટમાં માલ આવતો જ નથી

નિષ્ણાતોના મત મુજબ માર્ચમાં થયેલી હીટવેવને કારણે ઝાડ પરથી કેરી તૈયાર થતાં પહેલાં જ પડી જાય છે. વધુપડતી ગરમીને લીધે કેરીના પલ્પમાં અંદર એક સફેદ રેસાદાર પૅચ બની જાય છે. આવી પેશીઓ વધી જતાં ફળ બગડે છે. આ રીતે ઉત્પાદનને અસર થતાં કેરીનો બહુ ઓછો જથ્થો માર્કેટમાં આવી શક્યો છે. ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) બજાર પર નજર નાખીએ તો ઓછામાં ઓછાં ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ ક્રેટ આફૂસ કેરી ઉપલબ્ધ હોવી જોઈએ, પણ આ વર્ષે આ સંખ્યા ફક્ત ૫૦૦૦થી ૬૦૦૦ ક્રેટ જ માર્કેટમાં છે. ડિમાન્ડ સામે પુરવઠો ઓછો હોવાથી આફૂસ આ વર્ષે મોંઘી વેચાય એવી શક્યતા છે.

mumbai news mumbai maharashtra news maharashtra konkan