આ વર્ષે ઘરમાં જ ઘૂમો ગરબે

04 September, 2020 07:49 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આ વર્ષે ઘરમાં જ ઘૂમો ગરબે

આ વર્ષે ઘરમાં જ ઘૂમો ગરબે

ગણપતિના વિસર્જન બાદ તરત જ નવરાત્રિની તૈયારી થવા માંડે છે. ખેલૈયાઓ કયા દિવસે કયા રંગના કયા કૉમ્બિનેશનનાં ટ્રેડિશનલ કપડાં પહેરવાના છે એની તૈયારી કરવા માંડે છે, જ્યારે ઑર્ગેનાઇઝરો પણ શું નવીનતા લાવવી એની ગડમથલમાં પડ્યા હોય છે. એક આતુરતા હોય છે. ૯ દિવસમાં શક્તિની આરાધના અને ભક્તિ સાથે ગરબે ઘૂમવાની ધમાલ હોય છે, ઉમંગ હોય છે; પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જે રીતે ગણેશોત્સવ આ વખતે સંયમિત રીતે પાર પડ્યો એ જોતાં કદાચ સરકાર સોસાયટીઓમાં ૫૦ જણને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિનું આયોજન કરવાની પરવાનગી આપે, પણ પ્રોફેશનલ નવરાત્રિ આ વર્ષે નહીં જ થાય એમ અલગ-અલગ નવરાત્રિ ઑર્ગેનાઇઝર્સનું કહેવું છે. હા, કદાચ ગુજરાતમાં નવરાત્રિના આયોજન માટેની ગાઇડલાઇન પણ આવે અને મંજૂરી પણ મળે, પરંતુ મહારાષ્ટ્રમાં, નો ચાન્સ.
દાંડિયા-ક્વીન તરીકે પ્રખ્યાત ફાલ્ગુની પણ શાંત છે. બોરીવલીમાં ફાલ્ગુની સાથે મળીને પ્રોફેશનલ નવરાત્રિનું આયોજન કરતા વિકી શાસ્ત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ વખતે પ્રોફેશનલ નવરાત્રિનું આયોજન નહીં થાય. ફાલ્ગુનીની નવરાત્રિમાં જ્યાં ગ્રાઉન્ડ પર રોજના ૧૫,૦૦૦ જેટલા ખેલૈયાઓ રમતા હોય ત્યાં સરકાર જો ૧૦૦-૨૦૦ની પરવાનગી આપે તો કઈ રીતે કરી નવરાત્રિ કરી શકાય? અમે પ્રોફેશનલ નવરાત્રિની તૈયારી જૂન–જુલાઈથી જ કરવા માંડતા હોઈએ છીએ, પણ આ વખતે નવરાત્રિ થાય એમ લાગતું નથી.’
તેમને પૂછવામાં આવ્યું કે શું તો પછી આ વર્ષે ફાલ્ગુની ગુજરાત કે પછી વિદેશ જઈને નવરાત્રિ કરશે? ત્યારે તેમણે કહ્યું, ‘ના, ફાલ્ગુની મોટા ભાગે મુંબઈમાં જ નવરાત્રિ કરવાનું પ્રીફર કરે છે. દુબઈમાં પણ કરી છે પહેલાં, પણ આ વખતે ત્યાં પણ બધું બંધ જ છે. આ વખતે કોઈ રિસ્ક નહીં લે.’
બોરીવલી નાયડુ ક્લબ કોરા કેન્દ્રની નવરાત્રિનું આયોજન કરતા પંકજ કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ વખતે નવરાત્રિ થવાની શક્યતા ઓછી છે અને ન કરે એમાં જ ભલાઈ છે. જે રીતે રોજેરોજ કોરોનાના કેસ વધતા જાય છે એને જોતાં કોઈ પણ ઑર્ગેનાઇઝર આ વખતે નવરાત્રિ કરશે એવું લાગતું નથી અને એને માટે પરમિશન પણ નહીં મળે.’
તેમણે ઉમેર્યું કે ‘આ વખતે નવરાત્રિ ન કરવા માટે ચાર-પાંચ મેઇન કારણો છે. એક તો કોવિડ ચાલી રહ્યું છે. કેસ વધી રહ્યા છે. અત્યારે સોશ્યલ ગેધરિંગ માટે માત્ર ૫ જણને જ રાજ્ય સરકારે પરવાનગી આપી છે. જ્યારે પ્રોફેશનલ નવરાત્રિમાં તો ૨૦૦-૩૦૦ જણનો અમારો સ્ટાફ જ ગ્રાઉન્ડ પર કામ કરતો હોય છે. ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ ખેલૈયાઓ હોય છે. એ બધાનું સ્ક્રીનિંગ કરવું, કોરોના-રિપોર્ટ જોવો એ બધું નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ છે. એમાં જો કોઈ એક વ્યક્તિને પણ કોવિડ હોય તો રિસ્ક એટલુંબધું વધી જાય કે એને કન્ટ્રોલ કરવાનું ભારે પડી જાય. માટે આ વખતે એવુ રિસ્ક લેવાય એવું જ છે જ નહીં. બીજું, લૉકડાઉનના હિસાબે લોકોના ધંધા નથી રહ્યા એથી સ્પૉન્સર મળવા મુશ્કેલ છે. ત્રીજું, લોકોની નોકરીઓ છૂટી ગઈ છે અથવા પગાર કપાતમાં છે. ખેલૈયાઓના એક પરિવારનું નવરાત્રિનું જ બજેટ ૨૦થી ૨૫ હજારનું હોય છે. ઘરમાં ચાર સભ્યાના પાસ, આવવું-જવું, બહાર ખાવું-પીવું, ટ્રેડિશનલ કપડાં એમ ઘણુંબધું સંકળાયેલું હોય છે એટલે આ વખતે એ શક્ય નથી. સોસાયટીઓમાં નાના પાયે ૫૦-૧૦૦ જણની નવરાત્રિ માટે કદાચ પરવાનગી મળે, પણ પ્રોફેશનલ નવરાત્રિ નહીં થાય. એ ઉપરાંત પ્રોફેશનલ નવરાત્રિ માટે વુડન-પ્લૅટફૉર્મ સ્ટેજ, માતાજીનું મંદિર એમ ઘણી બાબતો હોય છે અને એને માટે લેબર નથી. મોટા ભાગના લેબર યુપી-બિહાર ચાલ્યા ગયા છે. જે લેબર અહીં છે તેઓ ડબલ પ્રાઇસ માગી રહ્યા છે. માત્ર સાજિંદાઓ જે માત્ર આના પર જ નભતા હોય છે તેમની હાલત કફોડી છે. એ લોકો અડધી પ્રાઇસમાં કામ કરવા તૈયાર છે, પણ એ શક્ય નહીં બને. આમ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.’
ડોમેસ્ટિક ઍરપોર્ટ સામે વિલે પાર્લેમાં આવેલી સહારા સ્ટાર હોટેલના હૉલમાં નવરાત્રિનું આયોજન કરતા અજય મંત્રીએ કહ્યું કે ‘આ વખતે સરકાર પરવાનગી આપે એમ નથી લાગતું. જો સરકાર ગાઇડલાઇન બનાવીને અમને કહે તો અમે કરીએ પણ ખરા‍, પરંતુ હજી સુધી ગાઇડલાઇન્સ જ આવી ન હોવાથી આ વખતે કોઈ સ્પષ્ટતા નથી. જો સરકાર પરવાનગી આપશે તો અમે એમાં રહીને નવરાત્રિ કરીશું.’
શેલારે લખ્યો સીએમને લેટર
બીજેપીના વિધાનસભ્ય એડવોકેટ આશિષ શેલારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું છે કે વહેલી તકે નવરાત્રી સંદર્ભે જલદી ગાઇડલાઇન્સ બહાર પાડો.
આશિષ શેલારે કહ્યું છે કે, મૂળમાં તો ગણેશોત્સવ પૂરો થાય એ પહેલા જ સરકારે નવરાત્રીની ગાઇડલાઇન્સ બહાર પાડવી જોઈતી હતી.

ફાલ્ગુનીની નવરાત્રિમાં જ્યાં ગ્રાઉન્ડ પર દરરોજ ૧૫૦૦૦ ખેલૈયાઓ રમતા હોય ત્યાં સરકાર જો ૧૦૦-૨૦૦ની જ પરવાનગી આપે તો કઈ રીતે નવરાત્રિ કરી શકાય?- વિકી શાસ્ત્રી, નવરાત્રિ ઑર્ગેનાઇઝર

૧૦૦૦૦થી ૧૫૦૦૦ ખેલૈયાઓ હોય છે. એ બધાનું સ્ક્રીનિંગ કરવું, કોરોના-રિપોર્ટ જોવો એ બધું નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ છે. એમાં જો કોઈ એક વ્યક્તિને પણ કોવિડ હોય તો રિસ્ક એટલુંબધું વધી જાય કે એને કન્ટ્રોલ કરવાનું ભારે પડે.
- પંકજ કોટેચા, બોરીવલીના કોરા કેન્દ્ર નવરાત્રિ ઑર્ગેનાઇઝર

mumbai mumbai news navratri