આંતરરાષ્ટ્રીય યોગદિનની આ વખતે ઘેરબેઠાં ઉજવણી

22 June, 2020 03:52 PM IST  |  Mumbai Desk | Agencies

આંતરરાષ્ટ્રીય યોગદિનની આ વખતે ઘેરબેઠાં ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ડિજીટલ ઉજવણી

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સહિત અનેક મહાનુભાવો તથા રાજ્યના નાગરિકોએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય યોગદિન મનાવ્યો હતો. કોરોના રોગચાળાને કારણે મોટી સંખ્યામાં એકઠા થવું ઉચિત ન હોવાથી ઘરમાં એકલા તથા કેટલાક લોકો ભેગા થાય તો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. ગઈ કાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવનના પ્રાંગણમાં યોગાસન કર્યાં હતાં. 

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગદિનનું સૂત્ર ‘ઘરમાં યોગ, પરિવાર જોડે યોગ’ નક્કી કરવામાં આવ્યું હતું. ૨૦૧૪ની ૧૧ ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગદિન જાહેર કર્યો ત્યારથી ભારત અને એશિયાના વિવિધ દેશોમાં યોગ-પ્રાણાયામની મહત્તા દર્શાવવા અને એ પ્રાચીન વિદ્યાના પ્રચાર-પ્રસાર માટે એ દિવસે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે.
મુંબઈ ઉપરાંત, પુણે, નાશિક, નાગપુર જેવાં શહેરોમાંથી પણ આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણીના સમાચાર મળ્યા હતા. મોટા સમૂહમાં કે સાર્વજનિક સ્થળે યોગ સંમેલનો યોજવાને બદલે લોકોએ ઘરમાં રહીને ઉજવણી
કરી હતી. ઘણા યોગાચાર્યોએ ઑનલાઇન વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા તેમના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને આસનો અને પ્રાણાયામ કરાવ્યાં હતાં. આ વખતે યોગ પ્રાણાયામના માર્ગદર્શન માટે ડિજિટલ મીડિયાનો વ્યાપક વપરાશ થયો હતો.

mumbai mumbai news international news