23 February, 2026 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રમોદ પાવડે
પુણેના પ્રમોદ પાવડેએ ૧૫ વર્ષની ઉંમરે કૅન્સર થતાં પગ ગુમાવવો પડ્યો હતો. જોકે એ પછી તેણે પ્રોસ્થેટિક પગ બેસાડીને સખત મહેનત કરી અને હવે નૉર્મલ જીવન જીવી રહ્યો છે. પ્રમોદ આજે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમૅનની જૉબ કરી રહ્યો છે. હવે તેણે બાવીસ વર્ષની ઉંમરે મહારાષ્ટ્રની સહ્યાદ્રિ રેન્જના પહાડોના સૌથી ઊંચા શિખર કળસુબાઈને લગભગ ૩ કલાકના સમયગાળામાં સર કરી લીધું છે. વળી કળસુબાઈનું આ શિખર સર કરવું એમ પણ અઘરું છે, કારણ કે એ ટ્રેક રાતના સમયે કરવાનો હોય છે. વળી એ ચડવા માટે પ્રૉપર સ્ટેપ્સ નથી તેમ જ જમીન પણ ઊંચીનીચી છે જેના કારણે પ્રોસ્થેટિક પગ સાથે ચડવું બહુ જ મુશ્કેલ હોય છે. વળી શિખરની ઉપર કાંઈ ન મળતું હોવાથી પાણી અને થોડો નાસ્તો બૅગમાં સાથે રાખવો પડે છે એટલે એનું વજન પણ કૅરી કરવાનું હોય છે. આમ સખત મહેનત અને મજબૂત ઇરાદા સાથે પ્રમોદે આ અનોખી સિદ્ધિ મેળવી છે.