થર્ટી ફર્સ્ટની ડ્રગ-પાર્ટીઝ પર દરોડા પડાવશે ખુદ કૉલેજિયનો

27 December, 2014 05:44 AM IST  | 

થર્ટી ફર્સ્ટની ડ્રગ-પાર્ટીઝ પર દરોડા પડાવશે ખુદ કૉલેજિયનો


નવી મુંબઈમાં ઘણી કૉલેજોમાં ક્રિસ્ટલ મેથ અને મિયાઉં-મિયાઉં જેવાં ડ્રગ્સનું સેવન ન કરવા વિશે પોલીસ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અવેરનેસ કૅમ્પ દરમ્યાન અમુક સ્ટુડન્ટ્સ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ડ્રગ્સના સેવન પર અંકુશ લાવવા માટે સામેથી પોલીસની મદદ માટે આગળ આવ્યા છે. ડ્રગ્સનો બિઝનેસ કરતા લોકોને પકડાવી દેવા માટે આ કૉલેજના સ્ટુડન્ટ્સ પોલીસનાં આંખ અને કાન બનવા તૈયાર થયા છે.

આ વિશે જાણકારી આપતાં વાશીના ખ્ભ્પ્ઘ્ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર માયા મોરેએ કહ્યું હતું કે ‘હું કૉલેજોમાં ડ્રગ્સના દૂષણ વિશે અવેરનેસ પ્રોગ્રામોમાં જાઉં છું અને હવે કૉલેજિયનો સામેથી પોલીસને મદદ કરવા આવ્યા છે. પોલીસ સાદા વેશમાં હોય તો પણ ગુનેગારો તેમને ઓળખી જાય છે એવામાં કૉલેજના સ્ટુડન્ટ્સની મદદથી ગુનેગારોને પકડવામાં આસાની થશે.

આ સ્ટુડન્ટ્સનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સાદા વેશમાં એક પોલીસ પણ સાથે રહેશે. તેઓ વાશી આસપાસના નેરુલ અને બેલાપુર ખાતેના અમુક પબમાં પાર્ટીઓ અટેન્ડ કરશે અને ડ્રગ્સના સેવન પર ચાંપતી નજર રાખશે.’૨૦૦૭માં મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલમાં કામ કરતી વખતે માયા મોરેએ જુહુમાં રેવ પાર્ટી પર દરોડો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.