આ કચ્છી ડૉક્ટર દોઢ મહિનાથી ૪ વર્ષના દીકરાને નથી મળી

20 July, 2020 08:53 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આ કચ્છી ડૉક્ટર દોઢ મહિનાથી ૪ વર્ષના દીકરાને નથી મળી

ડૉક્ટર સપના શાહ-મોતા

કોરોના-સંકટમાં ફ્રન્ટલાઇન હેલ્થ વિભાગ અને પોલીસ ચાર મહિનાથી દિવસરાત કામ કરી રહ્યાં છે. આ ફીલ્ડના અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં કોરોના વૉરિયર તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા છે. બોરીવલીનાં કચ્છી ડૉક્ટર અંધેરી-ઈસ્ટમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોરોના વૉરિયર તરીકે દોઢેક મહિનાથી કામ કરી રહ્યાં છે. તેમણે પોતાના ચાર વર્ષના દીકરાનું આટલા દિવસમાં મોઢું નથી જોયું કે નથી તેને મળી શક્યાં.
બોરીવલીમાં રહેતાં બીએચએમસ એમડી ડૉક્ટર સપના શાહ-મોતા ચાર અઠવાડિયાંની હૉસ્પિટલની ડ્યુટી કરીને અત્યારે બે અઠવાડિયાં હોમ ક્વૉરન્ટીનમાં છે. જોકે પોતે ઘરે જશે તો પુત્ર તરત દોડીને ગળે વળગશે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે એટલે તેઓ તેમની મમ્મીના સાયનમાં આવેલા ઘરમાં ક્વૉરન્ટીન છે. ડૉક્ટર પોતાના પ્રાઇવેટ ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરે છે, પણ અત્યારે હૉસ્પિટલમાં જરૂર હોવાથી તેઓ વૉલન્ટરી સેવા આપે છે.
કચ્છી વીસા ઓસવાળ સમાજનાં તથા કચ્છના માંડવી તાલુકાના પુનડી ગામનાં વતની ડૉ. સપના શાહ-મોતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના આજના અત્યંત મુશ્કેલ અને જોખમી સમયમાં મેડિકલ ફીલ્ડમાં ડૉક્ટરોની ખૂબ કમી છે ત્યારે જ્યારે પ્રાઇવેટ ડૉક્ટરોની જરૂર હોવાની અપીલ કરાઈ હતી ત્યારે મેં સેવન હિલ્સ હૉસ્પિટલમાં વૉલન્ટરી ડ્યુટી જૉઇન કરી હતી. એક મહિનો હૉસ્પિટલમાં ડ્યુટી કરીને બે અઠવાડિયાંના હોમ ક્વૉરન્ટીનમાં છું. આટલા સમયમાં હું પરિવારજન ઉપરાંત ચાર વર્ષના દીકરા સારવિનને નથી મળી શકી. આટલા નાના બાળકથી દૂર રહેવું કોઈ પણ મમ્મી માટે કઠિન હોય છે, પરંતુ મેડિકલ ફીલ્ડમાં છું એટલે લોકોની સેવા કરવાની ફરજ હોવાથી હું કામ કરી રહી છું. બે દિવસમાં ક્વૉરન્ટીન સમય પૂરો થશે ત્યાર બાદ પણ જો હૉસ્પિટલને મારી જરૂર હશે તો હું ડ્યુટી જૉઇન કરીશ.’

mumbai mumbai news coronavirus covid19