ટેક્સી ડ્રાઈવર જાન મોહમ્મદ આ રીતે આવ્યો દાઉદ ગેંગના સંપર્કમાં, જાણો વિગત

16 September, 2021 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જાન મોહમ્મદ શેખ એટીએસના રડાર પર હતો.

પ્રતિકાત્મક તસવીર

ધારવીમાં રહેતા ટેક્સી ડ્રાઈવર જાન મોહમ્મદ શેખની શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. મોટો પ્રશ્ન એ છે કે દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર કેવી રીતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ગેંગના સંપર્કમાં આવ્યો હતો. જાન મોહમ્મદ શેખ ટેક્સી ડ્રાઈવર છે અને સાયન પશ્ચિમમાં એમજી રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જાન મોહમ્મદ શેખ એટીએસના રડાર પર હતો. તેને મુંબઈમાં ટેક્સી ચલાવવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. તેથી, તે મુંબઈના રસ્તાઓને સારી રીતે જાણે છે. તેને મુંબઈમાં હત્યાકાંડને અંજામ આપવાની જવાબદારી સોંપવામાં આવવાની હતી. જાન મોહમ્મદ 13 સપ્ટેમ્બરે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી દિલ્હી માટે રવાના થયો હતો. જાન મોહમ્મદનો દાઉદ ગેંગ સાથે ઘણા વર્ષોથી સંબંધ હતો. જાન મોહમ્મદ પર લગભગ 20 વર્ષ પહેલા મુંબઈના પાયધુની પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ, તોડફોડ અને ચોરીનો ગુનો નોંધાયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર જાન મોહમ્મદે ટેક્સી અને ટુ-વ્હીલર માટે લોન લીધી હતી. જોકે, લોન ચૂકવવામાં નિષ્ફળ જતાં તેના બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસકર્તાઓને શંકા છે કે તે પૈસા ઉઘરાવવાના કાવતરામાં સામેલ હોઈ શકે છે. રાજસ્થાનના કોટા શહેરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ઉચ્ચ સ્તરીય ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

જાન મોહમ્મદ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે અને ભૂતકાળમાં ડી-ગેંગના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તપાસકર્તાઓને શંકા છે કે તે દેવાના કારણે પૈસાની લાલચમાં ડી-ગેંગની જાળમાં આવી ગયો હશે. દરમિયાન જાન મોહમ્મદની પત્ની, પુત્રી અને અન્ય નજીકના લોકોની પોલીસ એન એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ધારાવીના મોહમ્મદ અસગર શેખ, જેણે અજમેર જવા માટે જાન મોહમ્મદને એક વખત ટિકિટ આપી હતી તેની ચાર વખત પૂછપરછ કરવામાં આવી છે. જાન મોહમ્મદ અને અન્ય આરોપીઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને પકડાયેલા આરોપીઓ સિવાય અન્ય કોઈ તેમાં સંડોવાયેલું છે કે કેમ તે જાણવા માટે યુદ્ધ સ્તર પર તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai crime news dharavi dawood ibrahim