આને કહેવાય ખરો પ્રાણીપ્રેમ

28 January, 2022 08:59 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ઍનિમલને બચાવવા કે ટ્રીટમેન્ટ માટે લઈ જવા ટૂ-વ્હીલર ન હોવાથી તેમણે દહિસરના કચ્છીને સેકન્ડહૅન્ડ બાઇક જોવાનું કહ્યું તો ભરત સત્રાએ તેમને નવુંનક્કોર ટૂ-વ્હીલર જ લઈ આપ્યું જે પ્રજાસત્તાક દિનથી ઍમ્બ્યુલન્સ જેવી સેવા આપે છે

‘પાલ’ નામની સંસ્થાને બાઇક ડોનેટ કરનારા દહિસરના ભરત સત્રા.

પ્રાણીઓ માટે કામ કરતી એક સંસ્થા પાસે ઍનિમલને બચાવવા કે ટ્રીટમેન્ટ માટે લઈ જવા ટૂ-વ્હીલર ન હોવાથી તેમણે દહિસરના કચ્છીને સેકન્ડહૅન્ડ બાઇક જોવાનું કહ્યું તો ભરત સત્રાએ તેમને નવુંનક્કોર ટૂ-વ્હીલર જ લઈ આપ્યું જે પ્રજાસત્તાક દિનથી ઍમ્બ્યુલન્સ જેવી સેવા આપે છે

પાલ નામનું ઍનિમલ લવર્સ ગ્રુપ જખમી કે મૂંગા જીવોને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી રહે એ માટે દિવસ-રાત જહેમત ઉઠાવતું હોવાથી એને કોઈનો પણ ફોન આવે તો એ જગ્યાએ સમયસર પહોંચવા માટે ટૂ-વ્હીલર પર જવું પડતું હોય છે. આમ તો સંસ્થાના લોકો કોઈનું પણ ટૂ-વ્હીલર આ કામ માટે લઈ જતા હતા, પણ ઘણી વાર એવું બનતું હતું કે ટૂ-વ્હીલરના અભાવે કાં તો તેઓ સમયસર સ્પૉટ પર નહોતા પહોંચી શકતા અથવા તો ઘાયલ પક્ષી કે પ્રાણીને સ્પૉટ પર પહોંચ્યા બાદ ફટાફટ ટ્રીટમેન્ટ માટે નહોતા લઈ જઈ શકતા.
ગ્રુપના એક સભ્યે આ તકલીફની ચર્ચા દહિસરમાં રહેતા એક ઍનિમલ લવરને કરીને તેમને કોઈ સેકન્ડહૅન્ડ બાઇક હોય તો જોવાનું કહ્યું હતું. જોકે ભરત સત્રા નામના આ ઍનિમલ લવર એવા નીકળ્યા કે તેઓ આ વાત સાંભળ્યા બાદ જરા પણ વિચાર કર્યા વગર જ ગ્રુપના સભ્યોને બાઇકના શોરૂમમાં લઈ ગયા અને તેમને ૭૮,૦૦૦ રૂપિયાનું એક ટૂ-વ્હીલર ખરીદી આપ્યું. હવે આ વાહન ‘પાલ’ નામથી બધી જગ્યાએ સ્પૉટ ટ્રીટમેન્ટ આપશે. આ બાઇક પ્રજાસત્તાક દિનથી ટુ-વ્હીલર ઍમ્બ્યુલન્સ જેવી સેવા આપે છે અને ગઈ કાલ સુધી એની મદદથી બે પશુઓની સારવાર કરવામાં ‘પાલ’ના સભ્યોને સફળતા મળી હતી.
પાલ નામની સંસ્થાના સ્થાપક અને એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાલ (PAL) નામની સંસ્થાના બધા સભ્યો ખૂબ દિલથી મૂંગાં જનાવરો માટે કામ કરે છે. પોતાના વ્યસ્ત સમય દરમ્યાન પણ સભ્યો સેવા માટે તત્પર હોય છે. મૂંગાં પ્રાણીઓ અકસ્માત કે અન્ય કોઈ રીતે જખમી થયાં હોય ત્યારે ઍમ્બ્યુલન્સની રાહ જોવા પહેલાં તેમના ગોલ્ડન સમયમાં તેમને સ્પૉટ ટ્રીટમેન્ટ આપવાનું કામ અમે કરીએ છીએ. દહિસરથી ગોરેગામ વચ્ચે અમે સ્પૉટ ટ્રીટમેન્ટ આપીએ છીએ અને અન્ય ઠેકાણે કૉલ આવે એમ સુવિધા ઉપલબ્ધ કરાવી દઈએ છીએ. અમારા ગ્રુપ પાસે એક જણે સ્પૉટ ટ્રીટમેન્ટ માટે તેમનું ટૂ-વ્હીલર વાહન આપ્યું હતું, પરંતુ તેમણે એ પાછું માગી લીધું હતું. એથી સ્પૉટ ટ્રીટમેન્ટની સેવા આપવામાં મુશ્કેલી થતાં એ આપી નહોતી શકાતી. આ વાતની જાણ ગ્રુપના સભ્યોએ ભરત સત્રા નામના પ્રાણીપ્રેમીને કરી હતી. તેમને કહેવાયું હતું કે કોઈ સેકન્ડહૅન્ડ ટૂ-વ્હીલર હોય તો જોજો, પરંતુ તેમણે એમ કહ્યું કે જૂનું વાહન લઈને શું કામ આવી સેવા આપવા જવાનું. એમ કહીને તેઓ સભ્યોને સીધા શોરૂમમાં લઈ ગયા હતા અને ૭૮,૦૦૦ રૂપિયાનું ટૂ-વ્હીલર પાલના નામે લઈ આપ્યું છે. તેમણે દેખાડેલી આ માનવતા અનેક પ્રાણીઓના જીવ બચાવી શકે એમ છે. તેમની આ દિલદારી બિરદાવવા જેવી છે.’
વાગડના ભરૂડિયા ગામના અને દહિસરમાં એસ. વી. રોડ રહેતા ભરત સત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન હોવાની સાથે હું ઍનિમલ લવર છું અને પ્રાણીઓની સેવા એ જ મારો ધર્મ છે. મા-બાપે સંસ્કાર આપ્યા છે અને જૈન ધર્મએ પણ મૂંગાં જનાવરોની સેવા કરતાં શીખવ્યું છે. આપણે જરૂર હોય એને એ વસ્તુ આપીએ તો એ ખરી પ્રભુની સેવા છે. એથી મને જ્યારે ખબર પડી કે પાલની સેવા વાહન ન હોવાથી બંધ પડી છે અને તેઓ હેરાન થઈ રહ્યા છે એટલે તરત મેં તેમને બાઇક લઈને આપવાનું નક્કી કર્યું હતું. મેં લોન લઈને ટૂ-વ્હીલર બુક કરાવ્યું છે અને નંબર આવે એટલે એ સેવામાં આવી જશે. ભવિષ્યમાં જરૂર પડશે એ રીતે વાહન ઉપલબ્ધ કરાવીશ, પણ આ સેવા બંધ ન થાય એ ખાસ ધ્યાન રાખીશ.’

 જૈન હોવાની સાથે હું ઍનિમલ લવર છું અને પ્રાણીઓની સેવા એ જ મારો ધર્મ છે. મા-બાપે સંસ્કાર આપ્યા છે અને જૈન ધર્મએ પણ મૂંગાં જનાવરોની સેવા કરતાં શીખવ્યું છે.
ભરત સત્રા

Mumbai mumbai news preeti khuman-thakur