આ છે હસબન્ડને ખરી શ્રદ્ધાંજલિ

18 June, 2022 08:50 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

૫૩ વર્ષનાં ગુજરાતી મહિલાએ ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયેલા પતિની ઇચ્છાને માન આપીને દસમાની પરીક્ષા આપી અને પાસ કરી : આમ તો ૨૦૧૯માં જ મણિબહેને સવારે કામ અને રાતે નાઇટ સ્કૂલ કરીને પહેલાં નવમું અને હવે દસમું પાસ કર્યું

મણિબહેન વિજય જોગદિયા

ગઈ કાલે જાહેર થયેલા એસએસસીના રિઝલ્ટમાં અનેક વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ટૉપ કર્યું હશે, પરંતુ એક અનોખું રિઝલ્ટ છે સાઉથ મુંબઈના ભીંડીબજારના ઇમામવાડામાં રહેતાં ૫૩ વર્ષનાં મણિબહેન વિજય જોગદિયાનું. આ રિઝલ્ટનું શ્રેય તેમણે તેમના સ્વર્ગીય પતિને આપ્યું છે. પતિની ઇચ્છાને માન આપીને લગ્નનાં અનેક વર્ષ બાદ શિક્ષણ શરૂ કર્યું અને દસમાના શિક્ષણની તૈયારીઓ શરૂ કરી. પ્રિલિમ્સની એક્ઝામ વખતે જ પતિ મૃત્યુ પામ્યા હોવા છતાં તેમણે દસમાની પરીક્ષા આપી, પણ એ ક્લિયર કરી શક્યાં નહોતાં. ત્યાર બાદ પતિને ખરી શ્રદ્ધાંજલિ આપવાના વિચારે તેમણે ત્રણ બાળકોને સંભાળીને સવારે કામ પર જઈને અને સાંજે સાતથી દસ વાગ્યા સુધી નાઇટ સ્કૂલમાં ભણીને પહેલાં નવમું અને ત્યાર બાદ હવે એસએસસી ૫૩ ટકા સાથે પાસ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૫૩ વર્ષે ૫૩ ટકા સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે.
મણિબહેન જોગદિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસએસસી પાસ કરવું બીજા લોકો માટે ફક્ત કરીઅર બનાવવા માટે હશે, પરંતુ મારા માટે પાસ થવું ખૂબ મહત્ત્વનું હતું કારણ કે એ મારા પતિની ઇચ્છા હતી. લગ્ન પહેલાં હું નવમા ધોરણમાં ફેલ થઈ હતી અને મારાં લગ્નને ૨૫ વર્ષ થઈ ગયાં હતાં. મારાં ત્રણ બાળકો છે અને બીએમસીમાં ‘ડ’ વર્ગમાં કામ કરું છું. બે દીકરી ગ્રૅજ્યુએટ થઈ છે અને દીકરો ભણી રહ્યો છે. મારા પતિએ મને ભણવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ભણવાની કોઈ ઉંમર હોતી નથી એમ કહીને મને દસમાની પરીક્ષા આપવા પ્રેરણાદાયી બન્યા હતા.’
હું પાસ થઈ એ મારા પતિને શ્રદ્ધાંજલિ છે એમ જણાવીને મણિબહેને કહ્યું હતું કે ‘૨૦૧૯માં મારા પતિની ઇચ્છાથી મારા દીકરા સાથે એક્ઝામની તૈયારીઓ કરી રહી હતી. એ દરમિયાન પ્રિલિમ્સ એક્ઝામ વખતે જ કિડનીની સમસ્યાને લીધે પતિ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ પરીક્ષા આપવાનો કોઈ વિચાર જ નહોતો, પરંતુ બાળકોએ પપ્પાએ શું કહ્યું હતું એ યાદ છેને એવું કહેતાં મેં મન મક્કમ કરીને એક્ઝામ આપી હતી. જોકે એક્ઝામ ક્લિયર કરી શકી નહોતી. પતિની યાદ સાથે મને સતત તેમના બોલેલા શબ્દો પણ યાદ આવતા હતા. એથી મેં દસમું પાસ કરવાનો નિર્ધાર કરી લીધો હતો. બાળકોએ પણ મને ખૂબ મદદ કરી અને હું સૅન્ડહર્સ્ટ રોડ પર આવેલી નાઇટ સ્કૂલમાં સાંજે સાતથી રાતે દસ વાગ્યા સુધી ભણવા જતી હતી. પહેલાં મેં નવમું ધોરણ પાસ કર્યું અને બાદ દસમું ધોરણ. સવારે કામ પર જવાનું હોવાથી વહેલી સવારે ઊઠીને થોડો અભ્યાસ કરતી અને ઘરે આવીને અભ્યાસ કરતી હતી. એક્ઝામમાં પાસ થવું જ છે એ મારું ધ્યેય બની ગયું હતું. પતિના મૃત્યુ બાદ બાળકો અને પુસ્તકો મારો આધારસ્તંભ બન્યાં હતાં. મોટી દીકરીનાં ડિસેમ્બરમાં લગ્ન કરાવ્યાં હતાં. આ બધી જવાબદારીઓ સાથે દિવસમાં અભ્યાસ તો એક વખત અચૂક જ કરતી. ગઈ કાલે પાસ થતાં મારા પતિને આ રિઝલ્ટ અર્પણ કર્યું છે. આગળ અભ્યાસ કરવા વિશે પણ વિચાર ચાલી રહ્યો છે.’

Mumbai mumbai news preeti khuman-thakur