માનો યા ન માનો! આ ડૉગી જૈન સાધુઓ સાથે વિહાર કરે છે...

05 December, 2020 07:43 AM IST  |  Mumbai | Rohit Parikh

માનો યા ન માનો! આ ડૉગી જૈન સાધુઓ સાથે વિહાર કરે છે...

ઘાટકોપરમાં સાધુઓ પાસે બેસીને એક શ્રાવકના ઘરમાં પ્રવચન સાંભળી રહેલો ડૉગી કાળુ

કાર્તિક પૂર્ણિમાને દિવસે ચાતુર્માસ પૂર્ણ થતાં જૈન સાધુસંતો અન્ય સ્થાને જવા માટે પગપાળા વિહાર શરૂ કરે છે. બે દિવસ પહેલાં ઘાટકોપર-વેસ્ટના સાંઘાણી એસ્ટેટમાં મુલુંડના ઝવેર રોડથી વિહાર કરીને આવેલા સાધુસંતો સાથે કાળુ નામનો એક શ્વાન પણ મુલુંડથી ઘાટકોપર વિહાર કરીને આવ્યો હતો. કાળુ સાધુઓ સાથે બે દિવસ રોકાયો એ સમય દરમ્યાન દેરાસરમાં ભગવાનનાં દર્શન કરવાની સાથે સાધુસંતોનાં વ્યાખ્યાન સમયે સાધુની નજીક પાટ પાસે બેસીને વ્યાખ્યાન પણ સાંભળતો હતો. કાળુના આ વર્તનથી આ વિસ્તારના જૈનોમાં જબરદસ્ત આશ્ચર્ય ફેલાયું હતું. સાધુસંતો કહે છે કે આ એના પૂર્વભવના સંસ્કાર છે.
મુલુંડ-વેસ્ટના વર્ધમાન નગર કે ઝવેર રોડ પર આવેલા વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરથી જેકોઈ જૈન સાધુસંતો ઘાટકોપર તરફ વિહાર શરૂ કરે તો આ સાધુસંતો સાથે વિહાર કરી રહેલા વિહાર ગ્રુપના સ્વયંસેવકો સાથે છેલ્લાં ૬ વર્ષથી કાળુ જોડાય છે.
આ બાબતે માહિતી આપતાં મુલુંડ વિહાર ગ્રુપના વર્ધમાન નગરમાં રહેતા મનોજ ધામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાળુની મારી સાથે ઓળખાણ આજથી ૬ વર્ષ પહેલાં વર્ધમાન નગરમાં થઈ હતી. વર્ધમાન નગરથી કોઈ જૈન સાધુસંતો વિહાર કરવા નીકળતા હોય એ પહેલાં સવારે સાડાપાંચ વાગ્યામાં કાળુ ગેટ પર આવીને ઊભો રહી જાય. જેવો વિહાર શરૂ થાય એટલે કાળુ સાધુસંતો સાથે વિહારમાં જોડાઈ જાય છે. બે દિવસ પહેલાં એક તપસ્વી સાધુ સાથે કાળુ ઘાટકોપર-વેસ્ટના સાંઘાણી એસ્ટેટ સુધી ગયો હતો. ત્યાં બે દિવસ તેમની સાથે રોકાયો હતો.’
કાળુના સાધુસંતો પ્રત્યેના પ્રેમની માહિતી આપતાં મુલુંડ વિહાર ગ્રુપના અમરિશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજથી ત્રણ વર્ષ પહેલાં નેમિસૂરીશ્વરજી સમુદાયના આચાર્ય મહારાજ કુલચંદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં મુલુંડથી નાશિક તરફના શહાપુર જૈન તીર્થ જવા છરીપાલિત સંઘ (મુલુંડથી ચાલીને શહાપુર)થી નીકળ્યો હતો. કાળુ એ છરીપાલિત સંઘમાં પણ જોડાયો હતો. મુલુંડથી અમે એક સમયે ગોરેગામના જવાહરનગર સુધી સાધુસંતો સાથે વિહાર કરીને જઈ રહ્યા હતા ત્યારે કાળુ અમારી સાથે ગોરેગામ સુધી આવ્યો હતો. સામાન્ય રીતે અમને ખબર હોય ત્યાં સુધી અમે કાળુને પાછો ફરતી વખતે અમારી સાથે રિક્ષામાં કે કારમાં પાછો મુલુંડ લઈ આવીએ છીએ, પણ એ સમયે કાળુ જવાહરનગર પહોંચ્યા પછી અમને મળ્યો નહોતો. અમે બધા ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા. કાળુ ગયો ક્યાં? અમારા એક કાર્યકરે તેના ગ્રુપમાં કાળુને શોધવા માટે એનો ફોટો વાઇરલ કર્યો હતો. જોકે કાળુ એની મેળે પચીસ દિવસ પછી મુલુંડના ઝવેર રોડ દેરાસર પાસે પહોંચી ગયો હતો.’
મુલુંડથી ઘાટકોપર વિહાર કરીને આવેલા તપસ્વી મુનિ જિતશેખરવિજયજી મહારાજસાહેબે કાળુના સાધુસંતો સાથેના વિહારની બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવું ત્યારે જ શક્ય બનતું હોય છે જ્યારે કોઈ પૂર્વભવના સંસ્કાર હોય. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે કાળુ કોઈ પણ વિસ્તારમાં જાય, ત્યાંના શ્વાન કાળુને ક્યારેય હેરાન કરતા નથી.’
મુલુંડ-વેસ્ટના વર્ધમાન નગરથી નાશિક હાઇવે પર આવેલા જૈન તીર્થ શહાપુર સુધી ત્રણ વર્ષ પહેલાં પાંચ દિવસ સુધી વિહાર કરીને છરીપાલિત સંઘમાં જોડાયેલા કાળુ વિશે માહિતી આપતાં નેમિસૂરીશ્વરજી સમુદાયના આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે કાળુ કોઈક ભવમાં સાધુ અથવા તો મુમુક્ષુ રહ્યો હશે. દેરાસરના પરિસરમાં કે સંઘમાં ક્યારેય કાળુએ ગંદકી નથી કરી.’
કાળુ વિશે વધુ માહિતી આપતાં આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘કાળુની એક વાત અમને હંમેશાં યાદ આવે છે. એક દિવસ એ મુલુંડથી વિહાર કરી રહેલા એક સાધુ સાથે થાણે પાસેના કળવા સુધી ગયો હતો. ત્યાંથી તેને વિહાર ગ્રુપના કાર્યકરો રિક્ષામાં વર્ધમાન નગર લઈને આવતા હતા. ત્યાં કાળુએ એક સાધુને વર્ધમાન નગરથી વિહાર કરીને જતા જોયા અને કાળુ રિક્ષામાંથી કૂદીને એ સાધુ સાથે વિહારમાં જોડાઈ ગયો હતો.’

કાળુ મોટા ભાગે ઉપાશ્રયમાં જ રહે છે. અમને આશાતના ન થાય એ માટે અમને ટચ કર્યા વગર જ એ અમારી સાથે રહે છે - મુનિ જિતશેખરવિજયજી મ.સા.
એમાં કોઈ શંકા નથી કે કાળુ કોઈક ભવમાં સાધુ અથવા મુમુક્ષુ રહ્યો હશે
- આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.

mumbai mumbai news