93 નૉટઆઉટ: ગોરેગામમાં રહેતા દાદાએ 19 દિવસમાં કોરોનાને માત આપી

14 October, 2020 07:51 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

93 નૉટઆઉટ: ગોરેગામમાં રહેતા દાદાએ 19 દિવસમાં કોરોનાને માત આપી

મેઘજી હરણિયા

કોરોના વાઇરસની ચપેટમાં આવીને નાની ઉંમરના લોકો મૃત્યુ પામવાના અનેક બનાવ નોંધાયા છે ત્યારે ગોરેગામમાં રહેતા ૯૩ વર્ષના સિનિયર સિટિઝન ૧૯ દિવસ હૉસ્પિટલમાં સારવાર લઈને હિંમતપૂર્વક કોરોનાનો સામનો કરીને હેમખેમ ઘરે ફર્યા છે. સામાન્ય રીતે કોરોનાનું નામ પડતાં જ ભલભલા લોકો ઢીલાઢફ થઈ જાય છે, જ્યારે આ સિનિયર સિટિઝન મનમાં જરાય ડર રાખ્યા વિના હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ થઈ ગયા હતા. પેતાના વિલ-પાવરથી તેઓ આ જીવલેણ વાઇરસથી બચીને ૧૯ દિવસે બે દિવસ પહેલાં જ હેમખેમ ઘરે પાછા આવ્યા હતા ત્યારે સૌએ થાળી વગાડીને તેમનું હોશભેર સ્વાગત કર્યું હતું.

મારા પપ્પાની ઉંમર ૯૩ વર્ષ હોવાથી તેમને થોડું ઓછું સંભળાય છે, બાકી તેમને બીજી કોઈ બીમારી કે તકલીફ નથી, એમ કહેતાં મેઘજી હરણિયાના પુત્ર મુકેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડને કારણે મારા પપ્પા ખાસ બહાર જતા નથી. માત્ર સવારે શંકર ભગવાનની પૂજા કરીને જે દૂધ ભગવાનને ચડાવ્યું હોય એ દૂધ માસ્ક પહેરીને બિલ્ડિંગ પાસે એક ડબ્બામાં મૂકી આવે છે, જેથી શ્વાન એ દૂધ પી શકે. પપ્પા કેવી રીતે કોરોનાનો ભોગ બન્યા એની ખબર નથી. પપ્પાને ૨૦ દિવસ પહેલાં સામાન્ય તાવ અને ઠંડી લાગતાં તેમની દવા લીધી હતી, પરંતુ એનાથી કોઈ ફરક પડ્યો નહોતો એટલે ડૉક્ટરની સલાહ મુજબ અમે કોવિડ-ટેસ્ટ કરાવી હતી, જે પૉઝિટિવ આવી હતી. કોરોનાનું સંક્રમણ થતાં પપ્પાને અમે સમજાવ્યું કે અમુક દિવસ તમારે હૉસ્પિટલમાં રહેવું પડશે અને સારવાર લેવી પડશે. થોડી આનાકાની કર્યા પછી તેઓ માની ગયા હતા અને ૧૯ દિવસ ગોરેગામની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ સોમવારે ઘરે પાછા ફર્યા હતા.’

મુકેશ હરણિયાએ ઉમેર્યું કે ‘પપ્પાની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે, આ ઉંમરે પણ તેઓ દરેક કામ જાતે કરી લે છે. એકલા હરીફરી શકે છે. અમારું જૉઇન્ટ ફૅમિલી છે. પપ્પા જ્યારે કોરોનાને માત આપીને ઘરે આવ્યા ત્યારે અમારી ખુશીનો પાર નહોતો રહ્યો. અમે ‘વેલકમ’નું બૅનર બનાવી તેમ જ સૌ સભ્યોએ થાળી વગાડીને ઉત્સાહભેર પપ્પાનું સ્વાગત કર્યું હતું.’

mumbai mumbai news coronavirus covid19 goregaon urvi shah-mestry