થર્ડ વેવથી સ્લમ્સ કેમ અછૂતાં રહ્યાં છે?

14 January, 2022 08:52 AM IST  |  Mumbai | Prajakta Kasale

અગાઉના સીરો સર્વેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ઍન્ટિબૉડીઝનું પ્રમાણ ઘટ્યું હોવાનું માલૂમ પડ્યા છતાં શહેરની આ અત્યંત ગીચ ધરાવતી જગ્યા ત્રીજી લહેરથી લગભગ વણસ્પર્શી રહી ગઈ છે એની પાછળ ટેસ્ટિંગનું ઓછું પ્રમાણ જવાબદાર હોઈ શકે છે.

દાદર સ્ટેશને પૅસેન્જરનાં સ્વૅબ-સૅમ્પલ લઈ રહેલો હેલ્થ વર્કર. આશિષ રાજે

મુંબઈ : અગાઉના સીરો સર્વેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ઍન્ટિબૉડીઝનું પ્રમાણ ઘટ્યું હોવાનું માલૂમ પડ્યા છતાં શહેરની આ અત્યંત ગીચ ધરાવતી જગ્યા ત્રીજી લહેરથી લગભગ વણસ્પર્શી રહી ગઈ છે એની પાછળ ટેસ્ટિંગનું ઓછું પ્રમાણ જવાબદાર હોઈ શકે છે.
બીજી લહેર બાદ હાથ ધરાયેલા સીરો સર્વેમાં સૂચવ્યા પ્રમાણે ત્રીજી લહેર ફરીથી ઝૂંપડપટ્ટી પર ત્રાટકી શકે છે, પણ છેલ્લાં ત્રણ સપ્તાહથી ચાલી રહેલી ત્રીજી લહેર દરમ્યાન કુલ કેસમાં ઝૂંપડપટ્ટીના કેસનું પ્રમાણ ૧૦થી ૧૫ ટકા છે.
મોટા ભાગના કેસ બહુમાળી ઇમારતોમાંથી આવે છે. ઝૂંપડપટ્ટીમાંથી કેસ આવ્યા, પણ એ છૂટાછવાયા હતા અને કોઈ એક એરિયામાં સંખ્યાબંધ કેસ નોંધાયા નથી, એમ ‘કે’-વેસ્ટ વૉર્ડના મેડિકલ ઑફિસર ડૉક્ટર અજિત પિંપટવારે જણાવ્યું હતું.
અગાઉની લહેરોમાં હૉટ સ્પૉટ રહી ચૂકેલા ધારાવીમાં પાંચમી જાન્યુઆરી પછી કેસની સંખ્યા ૧૦૦ કરતાં વધુ થવા માંડી હતી અને ૭ જાન્યુઆરીએ ૧૫૦ પર પહોંચી ગઈ હતી. જોકે એ જ વૉર્ડમાં આવેલા અને મોટી સંખ્યામાં બહુમાળી ઇમારતો ધરાવતા માહિમ અને દાદરમાં અનુક્રમે ૩૦૮ અને ૨૨૩ કેસ નોંધાયા હતા.
‘એમ’-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મહેન્દ્ર ઉબાલેએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના કેસ બીએઆરસી અથવા અન્ય વસાહતોમાંથી છે, ઝૂંપડપટ્ટીમાંથી નહીં. મોટી ઝૂંપડપટ્ટીઓ ધરાવતા ‘એલ’ વૉર્ડની ૯ લાખથી વધુ વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહેતી હોવા છતાં ત્યાં વધુ કેસ નોંધાયા નથી.’
બીએમસીના એક આરોગ્ય અધિકારીએ સમજાવ્યું હતું કે ઓછા કેસ પાછળનું કારણ આ વિસ્તારોમાં ટેસ્ટિંગનું નીચું પ્રમાણ હોઈ શકે છે. જો કૉન્ટૅક્ટ ટ્રેસિંગ વધે તો કેસ વધી શકે છે છતાં એ સંખ્યા ઇમારતોમાંથી આવતા કેસ કરતાં ઓછી હશે.’

mumbai mumbai news coronavirus