હજી વીસ દિવસ રહેશે શાકભાજીના ખિસ્સાં ફાડી નાખે એવા ઊંચા ભાવ

25 November, 2021 08:43 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અન્ય રાજ્યોમાંથી આવક થશે તો ભાવ ઓછા થાય એવી શક્યતા

હજી વીસ દિવસ રહેશે શાકભાજીના ખિસ્સાં ફાડી નાખે એવા ઊંચા ભાવ

મુંબઈના લોકોના બજેટને વધતી મોંઘવારીએ હલબલાવી મૂક્યું છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી શાકભાજીના વધેલા ભાવે આ તકલીફમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અન્ય રાજ્યોથી શાકભાજી આવવાની શરૂઆત થતી હોય છે. એથી આગામી વીસેક દિવસમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા છે. શાકભાજીના ભાવ થોડા ઓછા થાય તો ઠંડીની સીઝનમાં ઊંધિયાની મજા પણ માણી શકાશે.
    આગામી વીસેક દિવસમાં શાકભાજીના ભાવ થોડા ઓછા થાય એવી શક્યતા છે એમ કહેતાં મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ, મુંબઈના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બદલાતા વાતાવરણને કારણે શાકભાજીના ભાવ હાલમાં થોડા દિવસથી વધ્યા હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. જોકે ઠંડીની સીઝન શરૂ થઈ હોવાથી ડિસેમ્બરમાં દસેક તારીખ સુધીમાં વિવિધ રાજ્યોથી શાકભાજી આવતાં હોય છે. અન્ય રાજ્યોથી શાકભાજીનો પુરવઠો યોગ્ય રીતે આવ્યો તો માર્કેટમાં શાકભાજીનું પ્રમાણ વધુ દેખાશે. એથી શાકભાજીનો પુરવઠો પણ વધશે અને એની સાથે આગામી વીસેક દિવસમાં ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો પણ થશે. વાતાવરણ નિયમિત રહેશે તો વધુ થોડા ભાવ ઓછા થાય એવી પણ શક્યતા છે. હાલમાં સૌથી વધુ ટામેટાં મોંઘા થઈ ગયાં છે.’

અત્યારે મોટા ભાગના શાક મોંઘા થઈ ગયા છે, પણ એમાં ટામેટાં અને વટાણાના ભાવે તો સેન્ચુરી મારી દીધી છે. 

Mumbai mumbai news preeti khuman-thakur