એક-એક બસમાં ૬૦થી ૭૦ને ભર્યા

08 May, 2020 07:32 AM IST  |  Mumbai Desk | Faizan Khan

એક-એક બસમાં ૬૦થી ૭૦ને ભર્યા

એક બસમાં 60થી 70 મજૂરો

રોજમદારોને તેમના વતન મોકલવાની પ્રક્રિયાના પ્રારંભરૂપે પનવેલથી ત્રણ ટ્રેનો અત્યાર સુધીમાં ૩,૬૦૦ લોકો સાથે રવાના થઈ છે, પરંતુ તેમને સ્ટેશન સુધી લાવવામાં એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો કોરાણે મુકાયા હતા. પરપ્રાંતીઓનું માનીએ તો એક-એક બસમાં ૬૦થી ૭૦ લોકોને ભરીને લઈ સ્ટેશન સુધી લવાયા હતા.
મોટા ભાગના સ્થળાંતરિતો સોશ્યલ ડિસ્ટન્સિંગ વિશે અજાણ છે ત્યારે તેમને ઠસોઠસ ભરેલી બસો કે પોલીસ વાહનોમાં રેલવે-સ્ટેશન સુધી લઈ જવાયા હતા.
ગયા અઠવાડિયાથી અત્યાર સુધીમાં બે ટ્રેનો મધ્ય પ્રદેશ અને એક ટ્રેન બિહાર માટે રવાના થઈ છે. એક સ્પેશ્યલ ટ્રેન બુધવારે રાતે મધ્ય પ્રદેશ રવાના થઈ હતી અને એની અંદર આશરે ૧,૨૦૦ લોકોને બેસાડવામાં આવ્યા હતા. એનો ખર્ચ મધ્ય પ્રદેશ સરકારે ઉઠાવ્યો હતો અને સ્થાનિક ઑથોરિટીએ મજૂરોને ભોજન પૂરું પાડ્યું હતું. જોકે તેમને જે બસો અને પોલીસનાં વાહનોમાં સ્ટેશન સુધી લાવવામાં આવ્યાં એ પૂરેપૂરાં ભરાયેલાં હતાં. કેટલાક લોકોએ સીટ ન મળવાને કારણે ઊભા રહેવું પડ્યું હતું. ઉરણથી પોતાની પત્ની અને બાળક સાથે બસમાં આવેલા રોજમદાર દેવેન્દ્ર સાકેતે જણાવ્યું હતું કે ‘ભૈયા, અબ સોશ્યલ ડિસ્ટન્સિંગ કા પતા નહીં, બસ હમકો ઘર પહુંચા દો. અમે મુશ્કેલીમાં છીએ. અમારી પાસે પરિવારને ખવડાવવાના પૈસા નથી, આથી અમે અમારાં સંતાનો સાથે એક દિવસ પણ અહીં વધુ રોકાઈ શકીએ એમ નથી.’
નવી મુંબઈના પોલીસ-કમિશનર સંજય કુમારે તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર ગુરુવારે જણાવ્યું હતું કે ‘આજે પનવેલથી વહેલી સવારે ત્રીજી ટ્રેન ૨૪ કોચ અને ૧૨૦૦ મુસાફરો સાથે હબીબગંજ (મધ્ય પ્રદેશ) જવા નીકળી હતી. પૅસેન્જરોની ટિકિટનો ખર્ચ મધ્ય પ્રદેશ સરકારે ઉઠાવ્યો હતો, જ્યારે ભોજન અને પાણીની વ્યવસ્થા સ્થાનિક ઑથોરિટી દ્વારા પૂરી પાડવામાં આવી હતી. પોલીસ, રેલવે અને મહેસૂલ વિભાગે સાથે મળીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.’
આ ઉપરાંત ઘણા સ્થળાંતરિતોએ પોલીસ-સ્ટેશનો ખાતે હાથ ધરાયેલા મેડિકલ ચેકઅપ માટે વ્યક્તિદીઠ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. એ વિશે પુછાતાં તેમણે જણાવ્યું હતું કે સ્થળાંતરિતો ખાનગી ક્લિનિકમાં ગયા હોય એમ જણાય છે.
કુમારે મિડ-ડેને જણાવ્યું હતું કે ‘જો આ ચેકઅપ ખાનગી મેડિકલ પ્રૅક્ટિશનર દ્વારા કરવામાં આવ્યું હોય તો એમાં અમે કંઈ કરી શકીએ નહીં.’

પોલીસે અમને ફૉર્મ ભરવાની અન્ય ફૉર્માલિટીઝ પૂરી કરવામાં મદદ કરી હતી. બસો પૅક હતી, ૬૦થી ૭૦ લોકો સાથે...પણ મને એ વાતનો આનંદ છે કે હું ઘરે પાછો જઈ રહ્યો છું. - પ્રકાશ સાકેત, મધ્ય પ્રદેશનો પરપ્રાંતી

mumbai mumbai news faizan khan