ભંડારા એનઆઇસીયુમાં ફાયર સેફ્ટી નહોતી

10 January, 2021 08:23 AM IST  |  Mumbai | Dharmendra Jore

ભંડારા એનઆઇસીયુમાં ફાયર સેફ્ટી નહોતી

શુક્રવારે મધરાત બાદ ભંડારાની સિવિલ હૉસ્પિટલમાં લાગેલી આગમાં નષ્ટ થઇ ગયેલું નિઓનેટલ ઇનેન્સિવ કેર યુનિટ (તસવીર: પી.ટી.આઇ.)

ભંડારા સિવિલ હૉસ્પિટલમાં પૂરતી ફાયર સેફ્ટીના અભાવે તેના નિઓનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઇસીયુ)માં સર્જાયેલી આગ હોનારતમાં દસ ભૂલકાં હોમાઈ જતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ સરકારી હૉસ્પિટલના ઑડિટનો આદેશ આપ્યો છે.

હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતાં રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે આગ લાગવાનું ચોક્કસ કારણ જણાવ્યું નહોતું પણ કહ્યું હતું કે ભંડારાના સિવિલ સર્જને તેમને જણાવ્યું હતું કે દોઢ કરોડ રૂપિયાની ફાયર સેફ્ટીની દરખાસ્ત મે, ૨૦૨૦થી સરકાર સમક્ષ પેન્ડિંગ હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એનઆઇસીયુ ૨૦૧૫-૧૬માં ફાયર સેફ્ટીનાં ધોરણોનું પાલન કર્યા વિના કાર્યરત કરવામાં આવ્યું હતું.

પ્રધાનના જણાવ્યા પ્રમાણે નાગપુરની નૅશનલ ફાયર સર્વિસ કૉલેજ તથા વિશ્વેશ્વરાય નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી તથા સરકારી ઇલેક્ટ્રિકલ વિભાગના એન્જિનિયરોને આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ દુર્ઘટના પાછળનું એક કારણ હોઈ શકે.

હૉસ્પિટલમાં પોતાના બાળક સાથે બેઠેલી એક મહિલા (તસવીર: પી.ટી.આઇ.)

દરમ્યાન સીએમ ઠાકરેએ આ દુર્ઘટનાથી ઘેરા આઘાતની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા સંચાલિત તમામ હૉસ્પિટલોનું ફાયર ઑડિટ હાથ ધરીને અમે આવી દુર્ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તમામ તકેદારી રાખીશું, તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ભૂલકાંઓના વાલીને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી તથા ઇજાગ્રસ્તોના પરિવારને સારવારની ખાતરી આપી હતી.

એનઆઇસીયુનું ૨૦૧૫માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે ફાયર ઑડિટ શા માટે ન કરાયું અને જો ઑડિટ કરાયું હોય તો આવી ઘટના શા માટે ઘટી તે અમારે શોધી કાઢવું પડશે અને તપાસ બાદ જ આગળ શું કાર્યવાહી કરવી તે માલૂમ પડશે, તેમ સીએમે જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓની ઝડપી કાર્યવાહીને પગલે ભંડારા હૉસ્પિટલના સ્પેશ્યલ ન્યુબોર્ન કૅર યુનિટમાં દાખલ સાત ભૂલકાંઓને બચાવી શકાયાં હતાં, પણ દુર્ભાગ્યે અન્ય દસ બાળકો એટલાં નસીબદાર નહોતાં. જે દસ બાળકો મૃત્યુ પામ્યા છે તેમાંથી ૩ દાઝવાથી અને બાકીના ૭ બાળકોએ ગુંગળામણને લીધે જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રના ભંડારામાં કાળજુ કંપાવી દેનારી ઘટના બની છે જેમાં આપણે અનમોલ ભુલકાઓને ગુમાવ્યા છે. શોકમગ્ન પરિવારો સાથે મારી સહાનુભુતિ છે અને હું આશા રાખું છું કે ઘાયલ બાળકો જલદી સાજા થઈ જાય. - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

maharashtra dharmendra jore