પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની હમણાં કોઈ શક્યતા નથી દેખાતી

05 February, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાન પરિષદનાં પરિણામો બાદ હાલની સરકારના શિંદે જૂથના અને બીજેપીના વિધાનસભ્યોમાં ફફડાટ પેસી ગયો છે

ફાઈલ ફોટો


મુંબઈ : વિધાન પરિષદનાં પરિણામો બાદ હાલની સરકારના શિંદે જૂથના અને બીજેપીના વિધાનસભ્યોમાં ફફડાટ પેસી ગયો છે એમ જણાવીને કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘આ લોકો પરિવર્તનની લહેર જોઈ રહ્યા છે એટલે જો હવે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તો અનેક જણ અસંતોષી રહે અને એની સીધી અસરથી સરકાર તૂટી પણ પડે એવી સંભાવના છે એટલે હાલ પ્રધાનમંડળનું વિસ્તરણ થાય એવી કોઈ જ શક્યતા દેખાતી નથી.’ 
વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘શિંદે જૂથના અને બીજેપીના અનેક વિધાનસભ્યો તેમને પ્રધાનમંડળમાં સ્થાન મળશે એ આશાએ તેમની સાથે જોડાયા હતા. હવે આઠ મહિના થવા આવ્યા હોવા છતાં પ્રધાનમંડળનો વિસ્તાર નથી થઈ રહ્યો એનો તેમને અસંતોષ તો છે જ અને એ હવે દિવસે-દિવસે વઘી રહ્યો છે. બંને પક્ષોના નેતાઓમાં એથી બહુ જ ઉચાટ અને ઉદ્વેગ છે. જો પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો તો જેનો નંબર નહીં લાગે તે બંડ કરે એવી પૂરી શક્યતા હોવાથી સરકારને એ જોખમ લેવું પરવડે એમ નથી એટલે હાલના તબક્કે પ્રધાનમંડળનો વિસ્તાર થાય એવી કોઈ શક્યતા જણાતી નથી.’  

ચંદ્રકાન્ત ખૈરે જ જીતશે : હર્ષવર્ધન જાધવ
ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેનાના વરિષ્ઠ નેતા ચંદ્રકાન્ત ખૈરેનો લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ સાફ થઈ રહ્યો હોવાની પ્રતીતિ કરાવતી ઘટના ઔરંગાબાદમાં બની છે. મૂળ શિવસેના સાથે ૨૦૧૯માં જ છેડો ફાડીને બંડ પોકારનારા ભૂતપૂર્વ વિધાનસભ્ય હર્ષવર્ધન જાધવનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં તેમણે ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણીમાં પોતાના ચંદ્રકાન્ત ખૈરે સાથેના વ્યક્તિગત મતભેદો ભૂલીને તેમને જ લોકસભાના ઉમેદવાર તરીકે સપોર્ટ કરશે એવું સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે ‘એ ચૂંટણીમાં હાલના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલ ચૂંટાઈ નહીં આવે, પણ ચંદ્રકાન્ત ખૈરે જ ચૂંટાઈ આવશે કારણ કે હું તેમને સપોર્ટ કરવાનો છું. હું માત્ર વિધાનસભાની ચૂંટણી જ લડીશ.’  

maharashtra mumbai news shiv sena congress eknath shinde