વિધાઉટ ટ્રેન ટિકિટ, બિન્દાસ

21 November, 2021 09:40 AM IST  |  Mumbai | Nidhi Lodaya

હજી કેટલાય મુંબઈગરાઓ એવા છે જેમને વૅક્સિનના બન્ને ડોઝ મળ્યા નથી અને તેઓ વગર ટિકિટે પ્રવાસ કરી રહ્યા છે : તેમનું લૉજિક સિમ્પલ છે કે બસ-રિક્ષા-ટૅક્સી કરતાં પકડાય તો ટીસીને ફાઇન આપવાનું પરવડે

૧૭ વર્ષની આશના પંચાલે કૉલેજ જવા માટે ઑક્ટોબરનાં પહેલાં બે સપ્તાહ ટિકિટ વગર પ્રવાસ કરવો પડ્યો હતો.

૧૭ વર્ષની આશના પંચાલે વિદ્યાવિહારની કે. જે. સોમૈયા કૉલેજ જવા માટે કદી ટિકિટ વગર પ્રવાસ નહોતો કર્યો, પણ ઑક્ટોબરનાં પહેલાં બે સપ્તાહ મુલુંડથી વિદ્યાવિહારની સફર તેણે વગર ટિકિટે કરી હતી. તે કહે છે કે લાંબા પ્રવાસ માટે રિક્ષા કે ટૅક્સી ખૂબ ખર્ચાળ બને. ટ્રેન એક જ વિકલ્પ છે. તે ટિકિટચેકરની નજરમાં કદી ન ચડી હોવાથી પોતાને ભાગ્યશાળી માને છે. તેનાં મમ્મી-પપ્પાએ એવી સલાહ આપી હતી કે જો ટિકિટચેકર પકડે તો એમ કહી દેજે કે કૉલેજમાં મહત્ત્વના કામ માટે બોલાવી હતી. જોકે આશનાએ કહ્યું કે હવે હું ચિંતામુક્ત બની છું.
૧૫ ઑક્ટોબરે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ બહાર પાડેલા આદેશથી ૧૮ વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે મન્થ્લી પાસ ઉપલબ્ધ થયા છે. આધાર કાર્ડ અને સ્કૂલ-આઇડી કાર્ડ દ્વારા તેમને ટિકિટ મળી રહેશે. ટિકિટ વગર પ્રવાસ કરવો નિયમ પ્રમાણે ગુનો છે અને પ્રવાસી પાસે ર૫૦ રૂપિયા ફાઇન તથા ટિકિટના પૈસા દંડ તરીકે વસૂલવામાં આવે છે.
ગયા મહિને સરકારે બહાર પાડેલા આદેશમાં કહ્યું હતું કે રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય એવા લોકોને જ રેલવેમાં પ્રવાસની પરવાનગી હશે. જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને પણ આ નિયમ લાગુ પડશે.
ઘાટકોપરના એક ટિકિટચેકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે ‘ટિકિટ વગર પકડાતા પ્રવાસીઓ જાતજાતનાં બહાનાં કાઢે છે. ઘણા કહે છે કે અમે બીમાર મિત્ર કે કુટુંબીને મળવા હૉસ્પિટલ દોડી રહ્યા છીએ. જોકે ઘણા લોકો બિલકુલ ખચકાયા વિના ૨૬૦ રૂપિયાનો દંડ આપી દે છે. વિરાર, બદલાપુર, કલ્યાણના ઘણા પ્રવાસીઓ ટિકિટ વગર પ્રવાસ કરતા હોય છે, કારણ કે પકડાય તો તેઓ દંડના ૨૬૦ રૂપિયા ભરીને આખો દિવસ ગમેત્યાં પ્રવાસ કરી શકે છે.’
પ્રવાસીઓનું કહેવું છે કે બસ-સર્વિસ મર્યાદિત છે અને બધાનો એમાં સમાવેશ થઈ શકતો નથી. ટૅક્સી કરવી પોસાય નહીં. દરરોજ ઘાટકોપરથી મસ્જિદ બંદર કામ માટે જતા ૧૮ વર્ષના એક યુવકે કહ્યું કે ‘મને રસીના બન્ને ડોઝ નથી મળ્યા. મારા બૉસે જ મને ટિકિટ વિના પ્રવાસ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે પકડાય ત્યારે ર૬૦ રૂપિયા આપી દેજે. ટૅક્સી કરતાં એ ઓછા છે.’
સત્તાવાર આંકડા પ્રમાણે સેન્ટ્રલ રેલવેએ છેલ્લા ૭ મહિનામાં ટિકિટ વિનાના ૧૭.રર લાખ પ્રવાસીઓને પકડ્યા છે અને તેમની પાસેથી ૧૦૮.૮ર કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
આ લખનાર રિપોર્ટર ઘાટકોપર રેલવે-સ્ટેશને ટિકિટચેકર પાસે ૨૦ મિનિટ ઊભી રહી એ દરમ્યાન જેટલા લોકોને ટીસીએ અટકાવ્યા એ તમામ પાસે ટિકિટ કે પાસ હતાં. ટીસીએ કહ્યું કે હવે ટિકિટ વગર પ્રવાસ કરતા લોકોની સંખ્યા ઘટી ગઈ છે, કારણ કે ચેકરની સંખ્યા વધારવા સાથે અમે ચેકિંગ સઘન કરી નાખ્યું છે.

Mumbai mumbai news mumbai local train